અમેરિકા સાથે ટ્રેડ વૉરના દબાણે નિફટીએ 11700નું સ્તર ગુમાવ્યું

અમેરિકા સાથે ટ્રેડ વૉરના દબાણે નિફટીએ 11700નું સ્તર ગુમાવ્યું
સેન્સેક્ષ 39000 નીચે બંધ

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : ભારત સરકાર દ્વારા અમેરિકાથી આયાત થતી 29 પ્રોડક્ટ પર ડયૂટી વધારવા સાથે ચોમાસા બાબતે અનિશ્ચિત અહેવાલની અસરથી શૅરબજારમાં વધુ ઘટાડો નોંધાયો હતો. આજે શરૂઆતથી એનએસઈમાં નિફટી સતત નકારાત્મક રહીને એક તબક્કે ઘટીને 11658 સુધી ગયા પછી ટ્રેડ અંતે કુલ 151 પૉઈન્ટ ઘટીને 11672 બંધ રહ્યો હતો. બીએસઈ સેન્સેક્ષ 39000ની સપાટી ગુમાવીને દૈનિક 491 પૉઈન્ટ ઘટાડે 38960 બંધ હતો. આજે એનએસઈમાં એક્રોસ ધ બોર્ડ વેચવાલીને લીધે તમામ ક્ષેત્રવાર સૂચકાંકો ઘટીને બંધ રહ્યા હતા. નિફટીના કુલ 50 શૅરમાંથી 45 ઘટયા હતા. માત્ર પાંચ શૅર મામૂલી સુધારે ટક્યા હતા.
આજે ઘટનાર ક્ષેત્રવાર સૂચકાંકમાં સૌથી નોંધપાત્ર મેટલ 2.87 ટકા, વાહન 1.69 ટકા અને બૅન્કિંગ, ફાર્મા, ખાનગી બૅન્ક અને જાહેર બૅન્ક સૂચકાંકો 1 ટકાથી વધુ ઘટયા હતા. બજારના જાણકારોના અનુમાન પ્રમાણે બજારના ઘટાડા કરતાં ઘટતું વૉલ્યૂમ વધુ ચિંતાજનક ગણાય. વ્યક્તિગત શૅરોમાં અનિલ અંબાણી ગ્રુપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં 28 વર્ષનો વિક્રમી નીચો ભાવ રૂા. 52.70 કવોટ થયો હતો. શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ 6.5 ટકા ઘટીને રૂા. 1014 બંધ હતો. એનડીટીવીના પ્રમોટરોને શૅરબજારમાં બે વર્ષ માટે દૂર રહેવાના સેબીના આદેશને લીધે શૅરનો ભાવ 8 ટકા ઘટયા પછી આખરે રૂા. 35 બંધ રહ્યો હતો. આજે એનએસઈમાં 1847 શૅરના ભાવ ઘટવા સામે 685 થોડા સુધરીને બંધ હતા.
એશિયન બજારમાં સકારાત્મક વલણ અને ક્રૂડતેલના સ્થિર ભાવ છતાં દેશની મેક્રો ઈકોનોમીની ચિંતાથી સ્થાનિક બજારોમાં વેચવાલીમાં વધારો થયો છે.
આજના ઘટાડામાં સૌથી નોંધપાત્ર ટિસ્કો રૂા. 28, મારુતિ સુઝુકી રૂા. 165, એચડીએફસી બૅન્ક રૂા. 13, બજાજ ફિનસર્વ રૂા. 113, ટાઈટન રૂા. 26, ઈન્ડસઈન્ડ બૅન્ક રૂા. 27, અલ્ટ્રાટેક રૂા. 46, બ્રિટાનિયા રૂા. 64, ગ્રાસીમ રૂા. 20, બજાજ અૉટો રૂા. 64, એક્સિસ બૅન્ક રૂા. 23, સનફાર્મા રૂા. 9, તાતા મોટર્સ અને વેદાંતા રૂા. 6 ઘટયા હતા. જેની સામે ઈન્ફોસીસ, યસ બૅન્ક અને કોલ ઈન્ડિયા નજીવા સુધારે બંધ આવ્યા હતા.
અગાઉ જણાવ્યા પ્રમાણે નિફટીમાં હવે 11600નું મહત્ત્વપૂર્ણ સપોર્ટ લેવલ કટોકટીપૂર્ણ બને છે. બજારને સુધરવા માટે 11800 ઉપરનો બંધ અત્યંત જરૂરી બને છે, એમ ટેક્નિકલ નિષ્ણાતો જણાવે છે. 11700-750 ઉપરના બે બંધ આવ્યા પછી જ નવી ખરીદી હિતાવહ રહેશે એમ બજારના અગ્રણી દલાલો માને છે.
એશિયાનાં બજારો
અમેરિકા-ચીન પછી હવે ભારત-અમેરિકા વચ્ચે નવા ટ્રેડ વૉરના મંડાણ વચ્ચે એશિયાનાં બજારો આજે થોડા સકારાત્મક રહ્યાં હતાં. હૉંગકૉંગમાં  હૅંગસૅંગ ઈન્ડેક્સ 109 પૉઈન્ટ વધ્યો હતો. ચીનનો મુખ્ય શાંઘાઈ ઈન્ડેક્સ 6 પૉઈન્ટ અને જપાનમાં નિક્કી 7 પૉઈન્ટના નગણ્ય સુધારે બંધ રહ્યો હતો.
Published on: Tue, 18 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer