એનબીએફસી ક્ષેત્રને સદ્ધર બનાવવા આરબીઆઇ પ્રતિબદ્ધ શક્તિકાંત દાસ

એનબીએફસી ક્ષેત્રને સદ્ધર બનાવવા આરબીઆઇ પ્રતિબદ્ધ શક્તિકાંત દાસ
એનબીએફસી ક્ષેત્રનાં ધોરણો અને સુપરવિઝનના માળખાની સમીક્ષા થશે 

મુંબઇ તા. 17: રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઇ) નોન બૅન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી) ક્ષેત્રને નાણાકીય રીતે સદ્ધર બનાવવા માટે આરબીઆઇ પ્રતિબદ્ધ હોવાનું મધ્યસ્થ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું છે. એનબીએફસી માટે સમૃદ્ધ રોકડ પ્રવાહ તૈયાર કરવા માટે આરબીઆઇ દ્વારા માર્ગદર્શિકા ઘડી કાઢવામાં આવી હોવાનું તેમણે આજે જણાવ્યું હતું. 
એનબીએફસી ક્ષેત્રને નાણાકીય રીતે મજબૂત બનાવવા માટે અમે તેના ધોરણો અને સુપરવિઝનના માળખાને નવેસરથી તપાસી રહ્યા છીએ. અમારો ઉદ્દેશ એનબીએફસીને આર્થિક રીતે સદ્ધર કરવાનો હોવાથી તેના ધોરણોનો કડક અમલ થાય તેની વિશેષ કાળજી લેવામાં આવશે, એમ દાસે જણાવ્યું હતું.
એનબીએફસી સેક્ટરની કામગીરી અને તેના દેખાવ  ઉપર સતત ધ્યાન આપવાનું આરબીઆઇ ચાલું રાખશે, એમ તેમણે ઊમેર્યું હતું.
વૈશ્વિક નાણાકીય કટોકટીમાંથી ભારત હેમખેમ બહાર આવ્યું હોવા છતાં આર્થિક મોરચે ગાફેલ રહેવું પોશાય તેમ નથી, નાણાકીય સ્થિરતા જાળવી રાખવા માટે આરબીઆઇ કોઇપણ સંભવ પગલાં લેતાં અચકાશે નહીં એમ દાસે જણાવ્યું હતું. 
આઇએલઍન્ડએફએસમાં નાણાકીય કટોકટીના પગલે નાણાં બજારમાં રોકડ પ્રવાહની ગતી રૂંધાઇ છે અને અનેક કંપનીઓના ધિરાણ જોખમમાં મૂકાયા છે, ત્યારે આરબીઆઇ ગવર્નર દાસે એનબીએફસી માટે આ નિવેદન આપ્યું છે. આઇએલઍન્ડએફએસ કટોકટીના પગલે સમગ્ર એનબીએફસી ક્ષેત્રમાં આર્થિક કટોકટીનો માહોલ તૈયાર થયો છે અને માર્કેટમાં રોકડ પ્રવાહ ઉપર માઠી અસર પડી છે. 
Published on: Tue, 18 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer