નોટબંધી સમયે `ત્રીધન''ના નામે જમા થયેલી ડિપોઝીટની તપાસ થશે

નોટબંધી સમયે `ત્રીધન''ના નામે જમા થયેલી ડિપોઝીટની તપાસ થશે
મુંબઈ, તા.17 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે નોટબંધી સમયની કરચોરીને પકડી પાડવા માટે અનેક પગલાં લીધા બાદ તેની સમીક્ષા શરૂ કરી છે અને આવકવેરા અધિકારીઓને સેન્ટ્રલ બોર્ડ અૉફ ડાયરેક્ટ ટૅક્સિસ (સીબીડીટી)એ એક નવી એડવાઈઝરીમાં જણાવ્યું છે કે, કરદાતાઓને ધિરાણ આપનારાઓને અને તેમની બૅન્કોને શંકાસ્પદ રોકડ ડિપોઝિટ અથવા ધિરાણ વિશે પૂછપરછ માટે બોલાવી શકાય છે. 
માગદર્શિકાના રૂપે જાહેર થયેલી એડવાઈઝરીમાં અધિકારીઓને જણાવવામાં આવ્યું છે કે, જો `ત્રીધન' તરીકે રોકડની ડિપોઝિટ કરવામાં આવી હોય તો તેને દહેજ તરીકે વર્ગીકૃત કરવી નહીં. આવક વેરા વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, નોટબંધી સમયના રોકડ ડિપોઝિટના વોલ્યુમને જોતા વિભાગ સંભવિત કરચોરી તપાસી રહી છે. સીબીડીટીની આ ચોથી સૌથી મોટી એડવાઈઝરી છે. અગાઉ આવા પ્રકારના કેસો માટે બે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ ઈસ્યૂ કરવામાં આવી હતી. 
શંકાસ્પદ કરચોરીના કેસમાં રોકડ ડિપોઝિટને લોન સ્વરૂપે દર્શાવવામાં આવી હતી, તેથી આકારણી અધિકારીએ સંબંધીત ખાતેદાર પાસેથી ધિરાણકર્તાની વિગતો, જેવી કે નામ, સરનામું, પૅન નંબર અને આવકવેરા રિટર્ન માગી છે. ઉપરાંત આકારણી અધિકારી ટ્રાન્ઝેક્શનની સચ્ચાઈ અને ધિરાણકર્તાની પાત્રતા તપાસશે. જો જરૂર પડે તો ધિરાણકર્તા સાથે પૂછપરછ પણ કરવામાં આવશે, એમ પણ અધિકારીએ કહ્યું હતું. 
આ અધિકારીએ ઉમેર્યું કે, નોટબંધી સમયે ડિપોઝિટ કરવામાં આવેલી રોકડ કરદાતાએ લોનની ચુકવણીના પેટે કરી હોય તો પણ વિગતોની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આવા જ પ્રકારની કાર્યવાહી ભેટ તરીકે ડિપોઝિટ કરવામાં આવેલી રોકડ માટે પણ થશે. 
ત્રીધનના કિસ્સામાં જો વ્યક્તિએ ઘણા વર્ષો પહેલાં રોકડ આપી હોય અને તેને આપનાર વ્યક્તિએ ભેટ ન આપી હોય તો મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. 
Published on: Tue, 18 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer