ડૉક્ટરોની દેશવ્યાપી હડતાલ દિલ્હી, મહારાષ્ટ્ર, કેરળ સહિતનાં રાજ્યોમાં પ્રદર્શન

તબીબોની સુરક્ષા અંગેની અરજી ઉપર આજે સુપ્રીમમાં સુનાવણી

નવી દિલ્હી, તા. 17 : કોલકાતામાં થોડા દિવસ અગાઉ બે જૂનિયર ડોક્ટરો ઉપર હુમલાની ઘટના બાદ શરૂ થયેલી તબીબોની હડતાલ દેશવ્યાપી બની છે. સોમવારે હડતાલમાં દેશભરના 5 લાખ તબીબ જોડાયા હતા. જેનાથી દિલ્હી-એનસીઆર, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં સ્વાસ્થ્ય સેવાઓને માઠી અસર પહેંચી હતી અને દર્દીઓઁને હાલાકી ભોગવવી પડી હતી. બીજી તરફ આજે સોમવારે સુપ્રીમ કોર્ટે સરકારી હોસ્પીટલમાં ડોક્ટરની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માગણી સંબંધિત અરજી ઉપર આવતીકાલે 18મી જુને સુનાવણી કરવાની ઘોષણા કરી હતી. 
ડોક્ટરની હડતાલમાં દિલ્હી મેડિકલ એસોસિએશન સાથે જોડાયેલા 18,000 ડોક્ટર અને એમ્સ પણ સામેલ થઈ હતી. હડતાલને કારણે તમામ રાજ્યોમાં ઓપીડી સેવા અસરગ્રસ્ત થઈ હતી અને નવા દર્દીઓની સારવાર થઈ શકી નહોતી. કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત સફદરજંગ હોસ્પિટલ, લેડી હોર્ડિંગ મેડિકલ કોલેજ,  આરએમએલ હોસ્પીટલ વગેરે હડતાલમાં જોડાઈ હતી. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ડોક્ટરો સામે હિંસાને લઈને ચાલી રહેલી આઈએમએની દેશવ્યાપી હડતાલ વચ્ચે એમ્સના આસિસ્ટન્ટ પ્રોફેસર વિજય કુમારે ભૂખ હડતાલનું એલાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, હુમલાના દોષિતો સામે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે તબીબ હડતાલ કરી રહ્યા છે. 90 ટકા દર્દીઓ આજે પણ ડોક્ટરને ભગવાન માને છે. 
આઈએમએની રાષ્ટ્રવ્યાપી હડતાલના એલાનમાં કેરળની સરકારી અને ખાનગી બન્ને હોસ્પિટલના તબીબ જોડાયા હતા. ઓરિસ્સામાં ભુવનેશ્વર એઈમ્સમાં વિરોધ પ્રદર્શન થયું હતું.  જ્યારે અસમમાં હોસ્પીટલની સુરક્ષા માટે ખાસ સિક્યોરિટી ફોર્સ બનાવવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. પંજાબ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં પણ મોટી સંખ્યામાં ડોક્ટરોએ પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટનાનો વિરોધ કર્યો હતો અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માગણી કરી હતી. 
ડોક્ટરો ઉપર હિંસાના મામલામાં સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે, સરકારી હોસ્પીટલમાં તબીબોની સુરક્ષાની માગણી કરતી અરજી ઉપર 18 જુનના રોજ સુનવાણી કરવામાં આવશે. ન્યાયમૂર્તિ દીપક ગુપ્તા અને સુર્ય કાંતની ખંડપીઠ અરજકર્તા અલખ આલોક શ્રીવાસ્તવ તરફથી રજૂ થયેલા વકીલની તાકીદે સુનાવણીની માગ બાદ મંગળવારે યાદીમાં મુકવા તૈયાર થયા હતા. પશ્ચિમ બંગાળમાં ડોક્ટરોના પ્રદર્શન બાદ શુક્રવારે અરજી દાખલ કરવામાં આવી હતી.  અરજીમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય, સ્વાસ્થ્ય મંત્રાલય અને પશ્ચિમ બંગાળ સરકારને ડોક્ટરની સુરક્ષા સુનિશ્ચિત કરવા દેશભરમાં તમામ સરકારી હોસ્પીટલમાં સરકારી સુરક્ષા કર્મીઓને તૈનાત કરવા નિર્દેશ આપવામાં આવે તેવી માગણી થઈ હતી. 
Published on: Tue, 18 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer