બે ફલૅટ ખરીદદારને રિફંડ આપવાનો ડેવલપરને આદેશ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : પનવેલના મેરેથોન નેક્સઝોન પ્રોજેક્ટમાં એગ્રિમેન્ટ પ્રમાણે ફ્લેટ ન મળતા બે ગ્રાહકને આ પ્રોજેક્ટમાંથી ખસી જવાની છૂટ આપવા સાથે જ મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી અૉથોરિટી (મહારેરા)એ ડેવલપરને આ બંને ગ્રાહકોએ ચૂકવેલી 86 લાખ અને50.60 લાખ રૂપિયાની રકમ દસ ટકા વ્યાજ સાથે પરત આપવાનો આદેશ કર્યો છે.
પેટ્રિસિયા ફર્નાંડીસ અને રણજિત નાયરે જાન્યુઆરી 2015માં મેરેથોન નેક્સઝોન પ્રોજેક્ટની ઍટલાસ બી વિંગમાં 1705 અને 1706 નંબરના ફ્લેટ બુક કરાવ્યા હતા ત્યારે તેમને ડિસેમ્બર 2016 સુધીમાં ફ્લેટનો કબજો આપવાનું એગ્રિમેન્ટમાં જણાવાયું હતું. જોકે, હવે ડેવલપરે ફ્લેટ આપવાની તારીખ લંબાવીને 31 ડિસેમ્બર, 2020 કરી છે અને આ બંનેએ આઇઆઇએફએલ હાઉસિંગ ફાયનાન્સમાંથી લોન લીધેલી હોવાથી તેમણે રિફન્ડ સાથે આ પ્રોજેક્ટમાંથી ખસી જવાનું નક્કી કર્યું હતું. 
મહારેરામાં ડેવલપર તરફથી વકીલે દલીલ કરી હતી કે વિવિધ મંજૂરીઓ મેળવવામાં વિલંબ થયો તેના માટે ડેવલપરને જવાબદાર ન ઠેરવી શકાય. ખાસ તો નવી મુંબઈમાં નવાં ઍરપોર્ટ અને હાઇવેની યોજનાઓના કારણે આ સંબંધી મંજૂરીઓ કેન્દ્ર તરફતી મેળવવી પડે છે જેમાં વિલંબ થયો છે. હાઇવે અૉથોરિટીમાં વર્ષ 2008માં મંજૂરી માટે અરજી કરી હતી જે છેક 2016માં મળી હતી.
જોકે, મહારેરાએ કહ્યું હતું કે આ બે ગ્રાહકોએ ઍડવાન્સ રકમ આપેલી છે અને તેમને સમયસર ફ્લેટ નથી મળ્યા. તેઓ અન્ય જગ્યાએ લોનની ભરપાઇ કરી રહ્યા છે, તેમને હવે આ પ્રોજેક્ટમાં રસ નથી, ડેવલપર સમયસર ફ્લેટ આપી નથી શક્યા અને નવી મુદત સુધી આ બંને ગ્રાહક ફ્લેટની રાહ જોઇ શકે એમ નથી, તેથી તેમને તેમની ચૂકવેલી રકમ વ્યવહારિક વ્યાજ સાથે પરત કરવામાં આવે.
Published on: Tue, 18 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer