મુંબઈ-અમદાવાદ શતાબ્દીનો ટ્રાવેલ ટાઇમ ઘટશે

આ અઠવાડિયે પુશ-પુલ ટેક્નૉલૉજીની ટ્રાયલ શરૂ થશે

મુંબઈ, તા. 17 : પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી શતાબ્દી એક્સપ્રેસના ટ્રાવેલ ટાઇમમાં 15-20 મિનિટ ઘટાડવાના પ્રયાસોમાં છે. મુંબઈ-અમદાવાદ રૂટમાં શતાબ્દી ઉપરાંત કર્ણાવતી એક્સપ્રેસ તેમ જ મુંબઈ-દિલ્હી દૂરંતો એક્સપ્રેસના ટ્રાવેલ ટાઇમમાં ઘટાડા માટે પશ્ચિમ રેલવે પુશ-પુલ ટેક્નૉલૉજીની ટ્રાયલ કરવા જઇ રહી છે. 
એક અધિકારીના જણાવ્યા પ્રમાણે જરૂરી મંજૂરીઓ મળી ગયા બાદ લગભગ અઠવાડિયાની અંદર જ આ ટ્રાયલ શરૂ કરાશે. આ ટેકનૉલૉજી માટે આગળ અને પાછળ જોડવામાં આવતાં એન્જિનોને જોડતી ઇલેક્ટ્રીકલ સિસ્ટમનું કામ પૂર્ણ કરી લેવાયું છે. આ સિસ્ટમથી મુંબઈ-અમદાવાદ રૂટની શતાબ્દી અને કર્ણાવતી ટ્રેનોનો ટ્રાવેલ ટાઇમ પચીસ મિનિટ સુધી ઘટાડી શકાશે. ઉપરાંત મુંબઈ-દિલ્હી દૂરંતો એક્સપ્રેસના ટ્રાવેલ ટાઇમમાં લગભગ 45 મિનિટનો ઘટાડો થશે. 
હાલમાં શતાબ્દી મુંબઈથી સવારે 6.25 વાગ્યે ઊપડીને બપોરે પોણા વાગ્યે અમદાવાદ પહોંચે છે, તેમાં પચીસ મિનિટનો ઘટાડો થશે. જ્યારે મુંબઈ-દિલ્હી દૂરંતોનો ટ્રાવેલ ટાઇમ 17 કલાક 15 મિનિટનો છે તે ઘટાડીને 16 કલાક 15 મિનિટનો કરવાની ધારણા છે.
પુશ ઍન્ડ પુલ ટેક્નૉલૉજી શું છે?
રેલવેના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે હાલમાં મુંબઈ-દિલ્હી રાજધાનીમાં આ સિસ્ટમની ટ્રાયલ કરાયા બાદ તેના ટ્રાવેલ ટાઇમમાં એક કલાકનો ઘટાડો થઇ શક્યો છે. પુશ એન્ડ પુલ ટેક્નૉલૉજી અંતર્ગત ટ્રેનની આગળ અને પાછળ પર એન્જિન જોડવામાં આવે છે અને બંને એન્જિનને ઇલેક્ટ્રીક સિસ્ટમથી જોડવામાં આવે છે. બંને એન્જિન પર નિયંત્રણ આગળના એન્જિનના મોટરમેન (ડ્રાઇવર)નું જ હોય છે. બે એન્જિન હોવાથી  ટ્રેનની ગતિ વધારી શકાય છે અને ખાસ કરીને ઘાટમાં કે ચઢાણવાળા રૂટમાં બે એન્જિનની તાકાતથી ટ્રેનની ગતિ યથાવત્ રહી શકે છે.
Published on: Tue, 18 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer