મહાલક્ષ્મી મંદિર પરિસરના વિકાસ માટે સુભાષ દેસાઈએ હિમાયત કરી

મુંબઈ, તા. 17 : મુંબઈ શહેર જિલ્લાના પાલકપ્રધાન સુભાષ દેસાઈએ સોમવારે મહાલક્ષ્મી મંદિર અને એની આસપાસના પરિસરની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે મંદિર પરિસરના વિકાસ માટે મંદિર ટ્રસ્ટ અને મ્હાડાએ સંયુક્ત રીતે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવો જોઈએ. પરિસરની જોખમી બિલ્ડિંગો અને પૂજાની સામગ્રી વેચતા ફેરિયાઓને પણ ગણતરીમાં લેવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે પરિસરમાંની જૂની અને જોખમી ઈમારતોના વિકાસ માટે અતિરિક્ત એફએસઆઈ આપી શકાય છે. આ ઈમારતોની બાબતમાં મંદિર સમિતિ અને સ્થાનિકોના હક્કમાં કોઈ બાધા ન આવે એની સરકાર કાળજી રાખશે. સુનિયોજિત વિકાસ માટે મંદિરની આસપાસની ઝૂંપડપટ્ટીનો વિકાસ થવો પણ જરૂરી છે.
તેમણે કહ્યું હતું કે મંદિરની પાછળના સમુદ્રના ભાગનો ગેટવે અૉફ ઈન્ડિયા પરિસરની જેમ વિકાસ કરી શકાય છે. આને લીધે મંદિરમાં આવતા ભાવિકોના આવ-જાવમાં પૂરતી જગ્યા મળી રહેશે તથા મંદિરને ચારે બાજુથી રસ્તાથી જોડી શકાશે. આને લીધે મંદિરની આસપાસ પૂજા સામગ્રી વેચતા ફેરિયાઓના વ્યવસાય પર પરિણામ ન આવે એની કાળજી રાખવાની જરૂર છે. મંદિરની પાછળની બાજુને કોસ્ટલ રોડથી જોડી શકાય છે કે કેમ એ વિક્લ્પની પણ વિચારણા કરવામાં આવશે.

Published on: Tue, 18 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer