દેવેન્દ્ર ફડણવીસે પડતાં મૂકેલા પ્રધાનો વિધાનમંડળના સત્રમાં ગેરહાજર રહ્યા

દેવેન્દ્ર ફડણવીસે પડતાં મૂકેલા પ્રધાનો વિધાનમંડળના સત્રમાં ગેરહાજર રહ્યા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાંથી રાજીનામું આપનારા છ પ્રધાનો નારાજ હોવાનું કહેવાય છે.
મહારાષ્ટ્રનાં વિધાનગૃહોનું ચોમાસું અધિવેશન આજથી શરૂ થયું છે. રાજીનામું આપનારા છ પ્રધાનો ચોમાસું અધિવેશનના પ્રથમ દિવસે ગેરહાજર હતા. રાજીનામું આપનારા ગૃહનિર્માણ પ્રધાન પ્રકાશ મહેતા, સામાજિક ન્યાય ખાતાના પ્રધાન રાજકુમાર બડોલે, આદિવાસી કલ્યાણ ખાતાના પ્રધાન નિષ્ણુ સાવરા, લઘુમતી વિકાસ ખાતાના રાજ્ય પ્રધાન દિલીપ કાંબળે, પર્યાવરણ અને ઉદ્યોગ ખાતાના રાજ્ય પ્રધાન પ્રવીણ પોટે, તેમ જ આદિવાસી વિકાસ રાજ્યપ્રધાન રાજે અંબરીશરાવ અત્રામનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે બિનકાર્યક્ષમતાને કારણે કોઈ પણ પ્રધાનને પડતા મૂકવામાં આવ્યા નથી. પ્રધાનમંડળમાં નવા ચહેરાને તક આપવા માટે કેટલાક પ્રધાનોનાં રાજીનામાં લેવામાં આવ્યાં છે.
ભાજપના વરિષ્ઠ નેતા મુનગંટ્ટીવારે જણાવ્યું હતું કે જે પ્રધાનોએ રાજીનામાં આપ્યાં છે તેઓએ પોતાની મેળે હોદ્દો છોડયો છે. તેઓએ પોતાના કાર્યક્ષેત્રમાં સારો દેખાવ કર્યો છે. પ્રધાનમંડળમાં હાલ કોઈ પણ પ્રધાન પાસેથી ખાતું આંચકી લેવામાં આવ્યું નથી. માત્ર કેટલાક પ્રધાનો પાસે વધારાનો કાર્યભાર હતો તે નવા પ્રધાનોને આપવામાં આવ્યો છે. જ્યારે પ્રધાનમંડળના વિસ્તરણ વિશે ચર્ચા કરવામાં આવી ત્યારે કેટલાક પ્રધાનોએ સંગઠનમાં કામ કરવાની ઇચ્છા પ્રદર્શિત કરી હતી. તેઓને કોઈ ફરિયાદ નહોતી.
રાધાકૃષ્ણ વિખે-પાટીલને પ્રધાનપદ આપવા અંગે મુનગંટ્ટીવારે જણાવ્યું હતું કે સારા લોકોએ શાસક પક્ષમાં આવવું જોઈએ. જ્યારે યોગ્ય વ્યક્તિ અયોગ્ય પક્ષમાં હોય તો તેણે અમારો સંપર્ક સાધવો જોઈએ. તે સાચા પક્ષમાં આવે તે માટે અમે કામ કરશું તેનો અર્થ એવો નથી કે અમે વિપક્ષના બધા નેતાઓનો સમાવેશ કરશું.
કૉંગ્રેસી આગેવાનો દ્વારા રાધાકૃષ્ણ વિખે-પાટીલના વિરોધમાં `જય શ્રીરામ'ના નારા પોકારાયા તે અંગે મુનગંટ્ટીવારે જણાવ્યું હતું કે બધાને `જય શ્રીરામ' બોલવાનો અધિકાર છે. જ્યારે અમે `જય શ્રીરામ' બોલતા હતા ત્યારે તેઓને તકલીફ થતી હતી. હવે તેઓને સમજાયું છે કે રાષ્ટ્રવાદની વિચારધારાને આગળ ધપાવવી એ જ કાયમી સત્ય છે એમ મુનગંટ્ટીવારે ઉમેર્યું હતું.
Published on: Tue, 18 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer