ભૂતપૂર્વ પ્રેમિકાને બદનામ કરવા ધમકીનો

ભૂતપૂર્વ પ્રેમિકાને બદનામ કરવા ધમકીનો
પત્ર લખ્યો અને મોબાઈલ નંબર પણ ટપકાવ્યો
થાણે, તા. 17 : થાણેના વિવિયાના મૉલમાં મળેલા સિદ્ધિવિનાયક મંદિર ઉડાવી દેવાના ધમકીપત્ર પાછળ પ્રેમપ્રકરણનું કારણ હોવાનું જાણવા મળ્યું છે. એક પ્રેમીએ પોતાની પ્રેયસીને બદનામ કરવાના ઈરાદાથી આ ધમકીપત્ર લખ્યો હોવાનું પોલીસે કહ્યું હતું. આ સંબંધમાં આરોપી કેતન ઘોડકેની ધરપકડ કરવામાં આવી છે.
વિવિયાના મૉલમાં રવિવાર 16 જૂનના બપોરે 3.30 વાગ્યાની આસપાસ ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પરના બાથરૂમમાંથી એક પત્ર મળ્યો હતો. આ પત્રમાં સિદ્ધિવિનાયક મંદિર BOOM એવો સંદેશ લખ્યો હતો. એ ઉપરાંત ત્યાં બે અલગ મોબાઈલ નંબર પણ લખવામાં આવ્યા હતા.
આ ધમકી ગઝવા-એ-હિંદ અને આઈએસઆઈએસ ત્રાસવાદી સંગઠને લખી હોવાનો દેખાવ ઊભો કરાયો હતો. પોલીસે તરત જ વિવિયાના મૉલ  અને આસપાસના પરિસરમાંની સુરક્ષા વધારી દીધી હતી. એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી.
જે મોબાઈલ નંબર ટપકાવવામાં આવ્યા હતા તે જો કે કચ્છી ભાનુશાલી યુવતીના હોવાની પોલીસને ખબર પડી હતી. તરત જ તેની પૂછપરછ કરવામાં આવી હતી. તેણે પોલીસને કહ્યું હતું કે મારી બદનામી થાય અને પોલીસનો ત્રાસ સહન કરવો પડે એ માટે મારા એક્સ બોયફ્રેન્ડ કેતન ઘોડકેએ આ કૃત્ય કર્યું હોવું જોઈએ.
તરત જ વિક્રોલીમાં રહેતા કેતન ઘોડકેને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો અને પોલીસ લાલ આંખ બતાવે એ પહેલાં જ એ ભાંગી પડયો હતો અને તેણે ગુનાની કબૂલી કરી લીધી હતી.
Published on: Tue, 18 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer