અનંતનાગમાં દળો-આતંકીઓની અથડામણમાં મેજર શહીદ

અનંતનાગમાં દળો-આતંકીઓની અથડામણમાં મેજર શહીદ
અન્ય મેજર સહિત 3ને ઈજા
સેનાના કાફલાને ઉડાવી દેવાનો પ્રયાસ નાકામ: સમગ્ર દક્ષિણ કાશ્મીરમાં હાઇ એલર્ટ : અરિહલ ગામમાં સર્ચ અૉપરેશન
 
અનંતનાગ તા. 17:  દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના અચાબલ વિસ્તારમાં સલામતી દળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં આર્મીના એક મેજર શહીદ થયા હતા અને તેમના જ દરજ્જાના એક અન્ય અફસર અને બે ટ્રુપર્સ સહિત અન્ય 3 કર્મીઓને ઈજા થઈ હતી. આ ઈજાગ્રસ્તોને શ્રીનગરમાંની  92 બેઈઝ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
સલામતી દળોએ આજે સવારે ઉકત વિસ્તારમાં કોર્ડન અને સર્ચની કારવાઈ કરી હતી. સર્ચની કારવાઈમાંથી ગનફાઈટની નોબત આવી હતી: આતંકીઓએ દળો પર ગોળીબાર કરતા દળોએ સામો જવાબ આપ્યો હતો.
ગઈ કાલે  પાક રેન્જર્સે કરેલા શત્રવિરામભંગ દરમિયાન રાજયના પુંછ જિલ્લાના સાલોટ્રી અગ્રીમ વિસ્તારના ગામો અને અગ્રીમ ચોકીઓને નિશાન બનાવી કરેલા શેલિંગમાં અંકુશરેખાએ શત્રવિરામભંગ દરમિયાન 11 વર્ષની કિશોરી સહિત 3 નાગરિકોને ઈજા થઈ હતી.
પુલવામામાં આઇઇડી બ્લાસ્ટ: 9 જવાનને ઈજા
દરમિયાન, કાશ્મીરમાં આતંકી મુસાના એન્કાઉન્ટરનો બદલો લેવા અલકાયદા આતંકવાદી હુમલો કરવાની ફિરાકમાં હોવાના પાકિસ્તાન તરફથી મળેલા ઇનપૂટ બાદ આજે પુલવામામાં સેનાના કાફલાને નિશાન બનાવીને આતંકીઓએ આઇઇડી બ્લાસ્ટ કર્યો હતો. આ હુમલામાં સેનાના 9 જવાનને ઈજા પહોંચી હતી. સેનાનો કાફલો પુલવામાના અરિહાલ ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આઇઇડી બ્લાસ્ટ થયો હતો. જેમાં સેનાનું એક કેસ્પર વ્હીકલ ક્ષતિગ્રસ્ત થયું હતું. હુમલા બાદ સેનાએ મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને પૂરા દક્ષિણ કાશ્મીરમાં હાઇએલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. 
આતંકવાદી કાશ્મીરમાં મોટા હુમલાની તૈયારીમાં હોવાની જાણકારી મળ્યા બાદ સુરક્ષા દળોને અગાઉથી જ એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. જેને લઈને સુરક્ષા પણ વધારવામાં આવી હતી. ગુપ્ત માહિતીના એક દિવસ બાદ આજે સોમવારે સેનાની 44 રાષ્ટ્રીય રાઇફલ્સનો એક કાફલો અરિહલ સ્થિત ઇદગાહ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આતંકીઓએ આઇઇડી પ્લાન્ટ કરીને કાફલાને ઉડાડી દેવા બ્લાસ્ટ કર્યો હતો. ધડાકા બાદ અફરાતફરી મચી હતી. હુમલાની જાણ થતાની સાથે જ અન્ય સુરક્ષા દળો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજા પામેલા 9 જવાનોને સારવાર માટે ખસેડયા હતા. વધુમાં પૂરા દક્ષિણ કાશ્મીરમાં હાઇએલર્ટ જારી કરવાની સાથે અરિહલ ગામની ઘેરાબંધી કરીને કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન સેનાએ શરૂ  કર્યું હતું. આ કાર્યવાહીમાં સેના, સીઆરપીએફ, જમ્મુ કાશ્મીર પોલીસનાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સામેલ કરવામાં આવ્યું છે. આ અગાઉ પુલવામામાં જ 14 ફેબ્રુઆરીએ મોટો આતંકી હુમલો થયો હતો. જેમાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા.
Published on: Tue, 18 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer