લોકસભામાં સાંસદોની શપથવિધિમાં જોવા મળી ભાષાકીય વૈવિધ્યતા

લોકસભામાં સાંસદોની શપથવિધિમાં જોવા મળી ભાષાકીય વૈવિધ્યતા
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 17 : નવા ચૂંટાયેલા સાંસદોની સોગંદવિધિ સાથે 17મી લોકસભાના સત્રનો પ્રથમ દિવસ શરૂ થયો હતો. વડા પ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે હિન્દીમાં શપથ લીધા હતા જ્યારે અમુક સાંસદોએ વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં સોગંદ લેવાનું પસંદ કર્યું હતું.
સ્વાસ્થ્યપ્રધાન હર્ષવર્ધને સંસ્કૃતમાં શપથ લઈને ગૃહમાં આશ્ચર્ય પમાડયું હતું. જ્યારે તેમના પગલે રાજ્ય કક્ષાના પ્રધાનો અશ્વિનીકુમાર ચૌબે અને પ્રતાપચંદ્ર સારંગીએ પણ સંસ્કૃતમાં સોગંદ લીધા હતા. અન્યોએ ગુજરાતીમાં અને ત્રણ સભ્યોએ હિન્દીમાં શપથ લીધા હતા. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોષી અને રસાયણ તથા ખાતર ખાતાના પ્રધાન સદાનંદ ગૌડા (બંને કર્ણાટકના)એ કન્નડમાં સોગંદ લીધા હતા.
કેરળમાંથી કૉંગ્રેસના સાંસદ કોડિકુન્નીલ સુરેશે અંગ્રેજી અથવા તેમની માતૃભાષા મલયાલમને બદલે હિન્દીમાં શપથ લઈને આશ્ચર્ય પમાડયું હતું. વડા પ્રધાનના કાર્યાલયમાં રાજ્ય કક્ષાના પ્રધાન જિતેન્દ્ર સિંહે તેમની માતૃભાષા ડોગરીમાં શપથ લીધા હતા. તેઓ જમ્મુ-કાશ્મીરના છે.
ગત 30 મેના કેન્દ્રના પ્રધાન તરીકે અંગ્રેજીમાં શપથ લઈ ચૂકેલા હરસિમરત કૌરે પંજાબીમાં સોગંદ લીધા હતા. હોશિયારપુરથી ભાજપના સાંસદ સોમ પ્રકાશે પણ પંજાબીમાં શપથ લીધા હતા.
કૅબિનેટ પ્રધાન રામેશ્વર તેલી અને કૃપાનાથ મલ્લાહ તથા નબકુમાર સરનાઈએ આસામીમાં શપથ લીધા હતા. પશ્ચિમ બંગાળમાં રાયગંજમાંથી ચૂંટાયેલા દેબશ્રી ચૌધરીએ તથા સિલ્ચરના સાંસદ રાજદીપ રોયે બંગાળીમાં શપથ લીધા હતા.
શિવસેનાના સાંસદ અને કૅબિનેટ પ્રધાન અરવિંદ સાવંતે મરાઠીમાં જ્યારે કેન્દ્રના પ્રધાન શ્રીપદ યેસો નાઇકે કોંકણીમાં સોગંદ લીધા હતા.
આંધ્ર પ્રદેશમાંથી ચૂંટાયેલા, મોટા ભાગના સાંસદોએ તેલુગુમાં અને અન્યોએ અંગ્રેજીમાં શપથ લીધા હતા. દિવસ દરમિયાન અગાઉ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રોટેમ સ્પીકર વીરેન્દ્ર કુમારનો રાષ્ટ્રપતિ દ્વારા શપથવિધિ કરાયો હતો. લોકસભાના સ્પીકરની 19 જૂને ચૂંટણી થશે અને રાષ્ટ્રપતિ કોવિંદ 20 જૂને સંસદના સંયુક્ત સત્રને સંબોધશે.
Published on: Tue, 18 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer