જે.પી. નડ્ડા બન્યા ભાજપનાં કાર્યકારી અધ્યક્ષ

જે.પી. નડ્ડા બન્યા ભાજપનાં કાર્યકારી અધ્યક્ષ
ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય: ડિસેમ્બર સુધી શાહ યથાવત

પ્રમોદ મુઝુમદાર તરફથી
નવીદિલ્હી, તા.17: લોકસભા ચૂંટણીમાં જ્વલંત વિજય બાદ ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને કેન્દ્ર સરકારમાં ગૃહમંત્રી જેવું અત્યંત મહત્વપૂર્ણ પદ આપવામાં આવ્યા બાદ ભાજપનાં અધ્યક્ષ બદલવાનું સુનિશ્ચિત બન્યું હતું. જેમાં વધુ વિલંબ નહીં કરતાં ભાજપે આજે મોદી સરકાર - 1માં સ્વાસ્થ્ય મંત્રી રહેલા જે.પી.નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કર્યા હતાં.
આજે મળેલી ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં આ વિશે નિર્ણય કરવામાં આવ્યો હતો. આ વિશે સંરક્ષણ મંત્રી અને ભાજપનાં વરિષ્ઠ નેતા રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, અમિત શાહે પાંચ વર્ષ સુધી પક્ષનાં અધ્યક્ષપદનું દાયિત્વ સફળતાપૂર્વક નિભાવ્યું છે. હવે તેઓ જ્યારે ગૃહમંત્રી છે ત્યારે તેમણે અન્ય કોઈ નેતાને આ જવાબદારી સોંપવાનો આગ્રહ કર્યો હતો. જેને પગલે આજે સંસદીય બોર્ડની બેઠકમાં સર્વાનુમતે નડ્ડાનું નામ પસંદ કરવામાં આવ્યું હતું. જો કે અમિત શાહ હજી ડિસેમ્બર સુધી પોતાનાં પદ ઉપર યથાવત રહેશે. 
ઉલ્લેખનીય છે કે મોદી સરકારનાં પ્રથમ કાર્યકાળ દરમિયાન પણ ભાજપનાં અધ્યક્ષ પદની દોડમાં નડ્ડાનું નામ અગ્રક્રમે હતું. જો કે એ વખતે અમિત શાહને જ જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાં અમિત શાહે અનેક સીમાચિહ્નરૂપ ચૂંટણીઓમાં ભાજપને વિજયનો માર્ગ અપાવ્યો હતો. હવે તેમનાં અનુગામી નડ્ડા ઉપર આ વિજયકૂચ જારી રાખવાની જવાબદારી રહેશે.
Published on: Tue, 18 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer