મમતાએ તબીબોની માગણીઓ સ્વીકારી હડતાલ સમેટાઈ

મમતાએ તબીબોની માગણીઓ સ્વીકારી હડતાલ સમેટાઈ
ડૉક્ટરોની સુરક્ષા માટે આપી ખાતરી: મીડિયાના કેમેરા સામે બેઠકમાં સમાધાન

કોલકાતા, તા. 17 : પશ્ચિમબંગાળમાં તબીબો સાથે હિંસાનાં બનાવની વિરોધમાં છેલ્લા એક સપ્તાહથી ચાલી આવતી મડાગાંઠ આખરે આજે ઉકેલાઈ ગઈ છે. મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા પ્રદર્શનકારી તબીબો દ્વારા કરવામાં આવેલી માગણીઓનો સ્વીકાર કરી લેવામાં આવતાં આજે બંગાળનાં તબીબોએ હડતાલ સમેટી લીધી હતી. 
મમતા બેનરજી દ્વારા તબીબોને પૂરતી સુરક્ષા પ્રદાન કરવાની ખાતરી આપવામાં આવી છે. આજે સચિવાલયમાં મમતા સાથેની બેઠકમાં તબીબોએ મેડિકલ કોલેજથી લઈને હોસ્પિટલ સુધી તેમને પડતી તમામ મુશ્કેલીઓની ફરિયાદો ઠાલવી હતી. જેને પગલે મમતાએ પોલીસને દરેક હોસ્પિટલમાં એક નોડલ પોલીસ અધિકારી નિયુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત ચિકિત્સકોની માગણી ઉપર દરેક સરકારી હોસ્પિટલોમાં એક ફરિયાદ નિવારણ કેન્દ્ર બનાવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. આજે મળેલી બેઠકમાં પ્રત્યેક મેડિકલ કોલેજનાં બે-બે પ્રતિનિધિઓ સામેલ થાય હતાં.
આ બેઠકમાં મમતા બેનરજીએ તબીબોને કહ્યું હતું કે કોઈપણ ડૉક્ટર સામે કેસ નોંધવામાં આવ્યો નથી. સામે પક્ષે જુનિયર ડોક્ટરોનાં સંયુક્ત મંચનાં પ્રતિનિધિઓએ 11 જૂને એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડોક્ટરો ઉપર હુમલાનાં બનાવમાં સંડોવાયેલા લોકોને દંડિત કરવાની માગણી કરી હતી.  આ બેઠક એકાદ કલાક સુધી ચાલી હતી. જેમાં એક અઠવાડિયાથી સર્જાયેલી મડાગાંઠ ઉકેલતા રાજ્યમાં કફોડી હાલતમાં મૂકાઈ ગયેલા દર્દીઓને પણ મોટી રાહત થઈ હતી. 
મમતા બેનરજીએ આજે આ બેઠકનું જીવંત પ્રસારણ કરવાની પણ મીડિયાને અનુમતિ આપી હતી. બંગાળનાં રાજ્ય સચિવાલય પાસેનાં સભાગૃહમાં આ બેઠક કરવામાં આવી હતી. આ પહેલા ડોક્ટરોએ જ માગણી કરી હતી કે બેઠક બંધબારણે નહીં પણ મીડિયાનાં કેમેરાની સામે થશે.
Published on: Tue, 18 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer