ભારત, ઇંગ્લેન્ડ, કિવિઝ અને ઓસિ. સેમિ ફાઇનલ ભણી

ભારત, ઇંગ્લેન્ડ, કિવિઝ અને ઓસિ. સેમિ ફાઇનલ ભણી
વિશ્વ કપમાં ધારણા અનુસાર ટોચની ચાર ટીમ

બાંગ્લાદેશનો સંઘર્ષ: દ. આફ્રિકા અને અફઘાન બહાર: પાકિસ્તાન, શ્રીલંકા અને વિન્ડિઝની રાહ ઘણી કઠિન
નવી દિલ્હી, તા.20: વર્લ્ડ કપમાં લીગ મેચોની અરધી સફર લગભગ સમાપ્ત થઇ ચૂકી છે. હાલની પોઇન્ટ ટેબલની સ્થિતિ અનુસાર દ. આફ્રિકા સેમિ ફાઇનલની રેસની બહાર થઇ ચૂકી છે. જે ટીમ વિશ્વ કપમાં સેમિ ફાઇનલની દાવેદાર ગણાતી તે ચાર ટીમ ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ આ રેસમાં આગળ ચાલી રહી છે. હાલ આ રેસમાં ન્યુઝીલેન્ડ પહેલા નંબર પર, બીજા નંબર પર ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા ત્રીજા નંબર પર છે, જ્યારે ભારત ચોથા નંબર પર છે. જો કે ભારતના ઉપરોકત ત્રણેય ટીમથી એક મેચ ઓછો છે. આશા છે કે અફઘાનિસ્તાન સામેના વિજયથી ભારત બીજા કે ત્રીજા સ્થાને આવી જશે. બીજી તરફ બંગલાદેશ, શ્રીલંકા, પાકિસ્તાન  અને વેસ્ટ ઇન્ડિઝની ટીમ અંતિમ ચારમાં પહોંચવા સંઘર્ષ કરી રહી છે. આ વખતના વર્લ્ડ કપમાં તમામ ટીમને 9 લીગ મેચ રમવાના છે. પોઇન્ટ ટેબલ પર ટોચની 4 ટીમ સેમિમાં પ્રવેશ કરશે. 
ન્યુઝીલેન્ડની ટીમ હજુ સુધી અપરાજીત છે. તેના 5 મેચમાં 9 પોઇન્ટ છે. ભારત સામેનો તેનો મેચ વરસાદમાં ધોવાયો હતો. કિવિ ટીમની ટકકર હવે વેસ્ટ ઇન્ડિઝ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વિરૂધ્ધ બાકી છે. યજમાન દેશ ઇંગ્લેન્ડની ટીમના 5 મેચમાં 4 જીત અને 1 હારથી 8 પોઇન્ટ છે. અંગ્રેજોનું અત્યાર સુધી શાનદાર પ્રદર્શન રહયું છે. તેને ફકત પાક. સામે હાર મળી છે. ઇંગ્લેન્ડને હવે શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ભારત અને દ. આફ્રિકા સામે રમવું બાકી છે. કાંગારૂ ટીમના પણ 5 મેચમાં 8 પોઇન્ટ છે. આજે બંગલાદેશ સામેના વિજયથી તે 10 પોઇન્ટ સાથે ટોચની ટીમ બની શકે છે. આજના મેચ બાદ તેને ઇંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ અને આફ્રિકા સામે રમવાનું બાકી રહેશે.
વિરાટસેના શાનદાર ફોર્મમાં છે અને સેમિ ફાઇનલમાં ભણી ધસમસતી આગેકૂચ કરી રહી છે. ભારતના 4 મેચમાં 7 પોઇન્ટ છે. તે આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનને હાર આપી ચૂકયું છે. ન્યુઝીલેન્ડ સામેનો મેચ વરસાદમાં ધોવાય ગયો હતો. ભારતના હવે પ મેચ બાકી છે. જે અફઘાનિસ્તાન, વેસ્ટ ઇન્ડિઝ, ઇંગ્લેન્ડ, બંગલાદેશ અને શ્રીલંકા વિરૂધ્ધ છે. આ પાંચમાં ઇંગ્લેન્ડ સામેનો મુકાબલો કઠિન છે. બાકીની ટીમ સામે કોહલીસેના આસાનીથી જીત મેળવી શકે છે. આથી તેના માટે સેમિ ફાઇનલમાં માર્ગ મોકળો થઇ ચૂકયો હોવાનું કહી શકાય.
બંગલાદેશની ટીમ આ વખતના વર્લ્ડ કપમાં જાયન્ટ કીલર બનીને ઉભરી આવી છે. તે આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝને હાર આપી ચૂકી છે. તેના પ મેચમાં પ પોઇન્ટ છે અને પાંચમા નંબર પર છે. હવે તેની રાહ કઠિન છે. કારણ કે તે આજે ઓસ્ટ્રેલિયા સામે મેદાને પડી છે. આ પછી તેણે ભારત અને પાકિસ્તાન સામે રમવાનું છે. આથી તેની રાહ મુશ્કેલ છે. 1996ની ચેમ્પિયન શ્રીલંકાની ટીમ 5 મેચમાં 4 પોઇન્ટ જ ધરાવે છે. હવે પછી તેના બે મેચ ભારત અને ઇંગ્લેન્ડ સામે મુશ્કેલ બની રહેશે. વેસ્ટ ઇન્ડિઝના 5 મેચમાં ફકત 3 જ પોઇન્ટ છે. તેને સેમિની આશા જીવંત રાખવા બાકીના તમામ 4 મેચ જીતવા પડશે. આ માટે તેણે ભારત અને ન્યુઝીલેન્ડ જેવી મજબૂત ટીમોને હાર આપવી પડશે. 
પાક. માટે વાપસી કઠિન છે. તેના 5 મેચમાં 3 પોઇન્ટ છે. ઇંગ્લેન્ડ જેવી મજબૂત ટીમને હાર આપવા છતાં તે ઓસ્ટ્રેલિયા અને ભારત સામે હારી છે. ચોકર્સ ગણાતી આફ્રિકાની ટીમ આ વખતે પડકાર આપી શકી નથી. તેના 6 મેચમાં 3 જ પોઇન્ટ છે. ન્યુઝીલેન્ડ સામેની હારથી તે સેમિની રેસની બહાર થઇ ગઇ છે. જ્યારે અફઘાનિસ્તાન તેના તમામ પ મેચમાં હાર સહન કરી ચૂકી છે. તેની નજર બાકીના એક મેચમાં અપસેટ કરીને વિશ્વ કપમાંથી સન્માનજનક વિદાય લેવા પર છે.
Published on: Fri, 21 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer