વોર્નરની દોઢી સદી : બાંગ્લાદેશ સામે ઓસિ.ના 5/381

વોર્નરની દોઢી સદી : બાંગ્લાદેશ સામે ઓસિ.ના 5/381
વોર્નરના આતશી 166, ખ્વાજાના 89 અને કેપ્ટન ફિંચના 53 રન : સૌમ્ય સરકારની 3 વિકેટ

નોર્ટિંગહામ, તા.20: ટ્રેંટબ્રિજની સપાટ વિકેટ પર આક્રમક ઓપનર ડેવિડ વોર્નરની આતશી દોઢી સદી (166)ની મદદથી વિશ્વ કપના આજના મેચમાં ઓસ્ટ્રેલિયાએ બંગલાદેશ સામે 5 વિકેટે 381 રન ખડકયાં હતા. વર્તમાન વર્લ્ડ કપમાં જાયન્ટ કીલર બનીને ઉભરી આવેલી બાંગ્લાદેશની ટીમ આજે કાંગારૂ બેટધરો સામે બોલિંગ-ફિલ્ડીંગ મોરચે અસ્તવ્યસ્ત થઇ ગઇ હતી. વોર્નરે તેની 16મી વન ડે સદી કરીને 147 દડામાં 14 ચોકકા અને 5 છકકાથી ધૂંઆધાર 166 રન બનાવ્યા હતા.
ટોસ જીતીને દાવ લેનાર ઓસ્ટ્રેલિયાએ શાનદાર શરૂઆત કરી હતી. ચોકકસ રણનીતિથી બંગલાદેશના બોલરો પણ આક્રમણ કરીને સુકાની ફિંચ અને વોર્નરે પહેલી વિકેટમાં 121 રનની ભાગીદારી કરી હતી. કાંગારૂ કેપ્ટન એરોન ફિંચ 51 દડામાં 5 ચોકકા અને 2 છકકાથી પ3 રન કરીને સૌમ્ય સરકારનો શિકાર બન્યો હતો. ફિંચના આઉટ થયા બાદ વોર્નરે રન રફતાર વધારી હતી અને બંગલાદેશની બોલરોની ટ્રેંટબ્રિજ પર ધોલાઇ કરી નાખી હતી. તેણે ઉસ્માન ખ્વાઝા સાથે બીજી વિકેટમાં 192 રનની ભાગીદારી કરી હતી. વોર્નરે તેની વન ડે કેરિયરમાં છઠ્ઠીવાર 150થી વધુનો સ્કોર નોંધાવ્યો હતો. તે ઇનિંગની 45મી ઓવરમાં 166 રને આઉટ થયો હતો. આ પછી મેકસવેલે 10 દડામાં 2 ચોકકા-3 છકકાથી ટૂંકી અને આતશી 32 રનની ઇનિંગ રમી હતી. તે કમનસીબે રનઆઉટ થયો હતો. ખ્વાઝા સદી ચૂકીને 72 દડામાં 10 ચોકકાથી 89 રને પાછો ફર્યોં હતો. રન રફતાર વધારવાના ચકકરમાં સ્મિથ ફકત 1 રન જ કરી શકયો હતો. ઓસિ.એ ત્રણ રનની અંદર મેકસવેલ, ખ્વાઝા અને સ્મિથની વિકેટ ગુમાવી હતી. બંગલાદેશ તરફથી સૌમ્ય સરકારે 3 વિકેટ લીધી હતી. સ્ટોનિસ 17 અને એલેકસ કેરી 11 રને અણનમ રહયા હતા. આથી વરસાદના વિઘ્ન બાદ ઓસ્ટ્રેલિયાના 50 ઓવરમાં પ વિકેટે 381 રન બન્યા હતા.
સ્કોર બોર્ડ : બંગલાદેશ : વોર્નર કો. રૂબેલ બો. સરકાર 166, ફિંચ કો. રૂબેલ બો. સરકાર 53, ખ્વાઝા કો. રહિમ બો. સરકાર 89, મેકસવેલ રનઆઉટ 32, સ્ટોનિસ નોટઆઉટ 17, સ્મિથ એલબીડબ્લ્યૂ મુસ્તાફિઝુર 1, એલેકસ નોટઆઉટ 11, વધારાના 12 કુલ 50 ઓવરમાં 5 વિકેટે 381.
વિકેટ ક્રમ : 121, 313, 352, 353, 354
બોલિંગ : મોર્તુઝા : 8-0-56-0, મુસ્તાફિઝુર : 9-0-69-1, શકિબ : 6-0-50-0, રૂબેલ : 9-0-83-0, મહેંદી : 10-0-59-0, સૌમ્ય સરકાર : 8-0-58-3.
વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયાનો બીજો શ્રેષ્ઠ સ્કોર
વિશ્વ કપ ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયાએ આજે તેનો બીજો શ્રેષ્ઠ સ્કોર 381 રનનો નોંધાવ્યો હતો. આ પહેલા 2015ના વર્લ્ડ કપમાં પર્થમાં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન સામે 6 વિકેટે 417 રન કર્યાં હતા. જે કાંગારૂ ટીમનો શ્રેષ્ઠ જુમલો છે. જ્યારે 2007માં દ. આફ્રિકા સામે 6 વિકેટે 377 રન કર્યાં હતા. જે વિશ્વ કપનો ત્રીજો શ્રેષ્ઠ સ્કોર છે. 2015ના વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે સિડનીમાં ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટે 376 રન ખડકયાં હતા.
Published on: Fri, 21 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer