અમેરિકાના વ્યાજકાપના સંકેતોથી વૈશ્વિક સોનામાં તેજી

રાજકોટમાં સોનાનો ભાવ 34 હજારના સ્તરે પહોંચ્યો

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 20 : અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન વ્યાજદરમાં ઘટાડો કરવા અંગેના સંકેત આપવામાં આવતા બુલિયન બજારમાં તેજી ફાટી નીકળી હતી. ન્યૂયોર્કમાં સોનાના ભાવમાં 2 ટકાની તેજી જોવાઇ હતી. પાછલા પાંચ વર્ષમાં આવી ઝડપી તેજી જોવા મળી નથી. ગુરુવારે ન્યૂયોર્કમાં સ્પોટ સોનું 1381 ડૉલર રનીંગ હતું. ઇન્ટ્રા-ડેમાં 1387 સુધી તેજી હતી. વાયદામાં 1397 ડૉલરના ભાવ થયા હતા. આ સપાટી પાછલા પાંચ વર્ષમાં સૌથી ઊંચી હતી. વૈશ્વિક તેજીની અસરથી સ્થાનિક બજારોમાં 24 કેરેટ શુદ્ધતાવાળા સોનાનો ભાવ 34 હજારની મહત્વની સપાટીએ પહોંચ્યો હતો. રાજકોટમાં રૂા. 450 ઊંચકાઇને રૂા. 34,000 હતો. મુંબઇ સોનું રૂા. 700ની તેજીમાં રૂા. 33,694 હતું.
વ્યાજદરમાં કાપના સંકેતોથી ડૉલરના મૂલ્યમાં કડાકો સર્જાયો હતો અને ટ્રેઝરી યીલ્ડ પણ તૂટવાથી સોનાની તેજી કાતિલ બની ગઇ હતી. ફેડે બુધવારે જણાવ્યું હતુ કે વૈશ્વિક અને સ્થાનિક અર્થતંત્રમાં વધતા જોખમોને કારણે આવતા મહિને કદાચ વ્યાજદરમાં કાપ મૂકવો પડે તેમ છે. ફુગાવો પણ વધતો નથી એટલે અમેરિકાએ વ્યાજ વધારાને સ્થાને કાપનો રસ્તો અપનાવવો પડશે. આ સ્થિતિમાં ડૉલર ઉપર દબાણ આવશે અને સોનાના ભાવ ઊંચકાશે કારણકે સોનામાં જોખમ સામે સલામત રોકાણની માગમાં વધારો જોવા મળશે.
ચાર્ટ પ્રમાણે સોનાનો ભાવ રોકાણ માગને લીધે 1400 ડૉલરનું સ્તર મેળવી શકે છે. ચાલુ મહિનામાં સોનાનો ભાવ 80 ડૉલરની તેજી નોંધાવી ચૂક્યો છે. જોકે આ સ્તર પછી તેજીની શક્યતા ઓછી છે કારણકે રોકાણકારો શેરબજાર તરફ પણ નાણું વાળી શકે છે એમ વિશ્લેષકોનું માનવું છે. સોનાની સાથે ચાંદીમાં 1.1 ટકાની તેજી થતા 15.31 ડૉલર પ્રતિ ઔંસનો ભાવ થયો હતો. ચાંદી પણ ત્રણ મહિનાની ઊંચાઇએ પહોંચી હતી. રાજકોટમાં એક કિલો ચાંદીનો ભાવ રૂા. 550 ઊંચકાતા રૂા. 38,250 અને મુંબઇમાં રૂા. 795 વધીને રૂા.37,955 હતો.
Published on: Fri, 21 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer