અમેરિકાના ફેડરલ વ્યાજદર ઘટવાના સંકેતથી સેન્સેક્ષમાં 500 પૉઈન્ટસની તેજી

અમેરિકાના ફેડરલ વ્યાજદર ઘટવાના સંકેતથી સેન્સેક્ષમાં 500 પૉઈન્ટસની તેજી
નિફટી 11800ના સ્તરની ઉપર બંધ આવ્યો

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદર ઘટાડાના સંકેત, એશિયાના બજારમાં સતત સુધારો અને સ્થાનિકમાં અગાઉના સતત ઘટાડા પછી આજે તીવ્ર સટ્ટાકીય લેવાલીથી છેલ્લા ટ્રેડિંગ કલાકમાં શૅરબજારમાં નોંધપાત્ર સુધારો નોંધાયો હતો. એનએસઈમાં નિફટી અગાઉ 11635ના તળિયા સુધી ખાબકયા પછી ભારે સટ્ટાકીય લેવાલીએ 11843ની ઊંચાઈએ થઈને ટ્રેડિંગ અને કુલ 140 પૉઈન્ટના સંગીન સુધારે 11832ના સ્તરે બંધ આવ્યો હતો. જ્યારે બીએસઈમાં સેન્સેક્ષ 489 પૉઈન્ટ વધીને 39602ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્ષના 27 શૅર વધ્યા હતા અને માત્ર 4 શૅર ઘટાડે બંધ હતા. નિફટીના અગ્રણી 40 શૅર ઘટવા સામે 10 શૅરના ભાવ મામૂલી ઘટાડે બંધ હતા. ચોમાસું જોમભેર આગળ વધતું હોવાના અહેવાલો બજારને ટેકો આપ્યો હતો.
ક્રૂડતેલના ભાવ પર સતત દબાણ સામે અમેરિકાએ એચ1-બી વિઝા પર નિયંત્રણની બેવડી અસર સ્થાનિક બજાર પર આવી હતી. વૈશ્વિક વ્યાજદર ઘટવાના સંકેતથી નાણાસેવા, બૅન્કો, અૉટો અને રિફાઈનરી શૅરો સુધારે હતા, જ્યારે આઈટી ક્ષેત્ર પર દબાણ આવ્યું હતું. બીએસઈમાં એનટીપીસી, એચડીએફસી બૅન્ક, હિન્દુસ્તાન યુનિલીવર ઘટીને બંધ થયા હતા. જ્યારે એનએસઈમાં બ્રિટાનિયા રૂા. 41, ટેક મહિન્દ્રા રૂા. 10 ઘટયા હતા. નોંધપાત્ર રીતે જેટ ઍરવેઝમાં કંપનીની ડામાડોળ સ્થિતિ છતાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.
બીએસઈમાં મિડકેપ ઈન્ડેક્સ 237 અને સ્મોલકેપ ઈન્ડેક્સ 146 પૉઈન્ટ વધ્યા હતા. આજના સુધારામાં ફાર્મા ઈન્ડેક્સ 3.06 ટકા, પીએસયુ બૅન્ક, રિયલ્ટી, મેટલ અને અૉટો ઈન્ડેક્સમાં બે ટકાનો વધારો નોંધાયો હતો. વ્યક્તિગત શૅરમાં યસ બૅન્ક ભારે અફડાતફડીએ નીચેમાં રૂા. 99 જઈને ટ્રેડ અંતે પુન: 11 ટકા સુધરીને રૂા. 114.55 બંધ રહ્યો હતો. જ્યારે ગુજરાતમાં સહયોગી કંપનીએ 600 મેગાવોટના ઊર્જા પ્લાન્ટનો કોન્ટ્રેકટ હસ્તગત કરવાના અહેવાલે અદાણી ગ્રીન 3.66 ટકા વધ્યો હતો, જ્યારે જેટ ઍરવેઝ રૂા. 40ના જંગી સુધારે રૂા. 73 બંધ હતો. આજના છેલ્લા કલાકના સુધારાની આગેવાની લેનાર મુખ્ય શૅરોમાં મારુતિ રૂા. 192, ગ્રાસીમ રૂા. 19, અલ્ટ્રાટેક રૂા. 91, હીરો મોટર રૂા. 60, એમએન્ડએમ રૂા. 10, આઈસીઆઈસીઆઈ બૅન્ક રૂા. 13, ઈન્ડસઈન્ડ રૂા. 54, ઇન્ડિયાબુલ્સ રૂા. 44, યસ બૅન્ક રૂા. 11, જેએસડબ્લ્યુ સ્ટીલ રૂા. 8, એલઍન્ડટી રૂા. 52, સિપ્લા રૂા. 18, આરઆઈએલ રૂા. 19, ટીસીએસ રૂા. 18, સનફાર્મા રૂા. 15, બજાજ ફીનસર્વ રૂા. 192, કોટક બૅન્ક રૂા. 20, એસબીઆઈ રૂા. 6 વધ્યા હતા.
એનાલિસ્ટોના અભિપ્રાય મુજબ નિફટીમાં 11855 અને 11910 મુખ્ય પ્રતિકાર ઝોન ગણાય. આજના ઝડપી ઉછાળામાં નવી ખરીદી સમગ્ર રીતે હાનિકારક રહેવાનું બજાર અનુભવીઓ માને છે. આગામી અઠવાડિયે એફએન્ડઓની આખરી તારીખ આવતી હોવાથી શુક્રવાર-સોમવારનો બજાર ટ્રેન્ડ મહત્ત્વપૂર્ણ રહેશે.
Published on: Fri, 21 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer