કરમુક્ત થઈ શકે છે પાંચ લાખ સુધીની આવક

બજેટમાં રોકાણ ઉપર કરમુક્તિની મર્યાદા પણ વધારવામાં આવે તેવી શક્યતા

નવી દિલ્હી, તા. 20: સંસદનું બજેટ સત્ર આગામી 26 જુલાઈ સુધી ચાલવાનું છે. આ દરમિયાન મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળનું પહેલું બજેટ 5 જુલાઈના રોજ રજૂ કરશે. પહેલી વખત મહિલા નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. મોદી સરકારના બીજા કાર્યકાળના પહેલા બજેટ ઉપર તમામ લોકોની નજર છે, કારણ કે સામાન્ય ચૂંટણી પહેલા ફેબ્રુઆરીમાં રજૂ કરેલા વચગાળાના બજેટમાં સરકારે કરદાતાને રાહત આપતા પાંચ લાખ સુધીની આવક ધરવનારા લોકો માટે ટેક્સ રીબેટની જાહેરાત કરી હતી. હવે આ નિર્ણય બાદ પહેલા બજેટમાં પાંચ લાખ સુધીની આવક કરમુક્ત કરવામાં આવે તેવી સંભાવના છે. 
વચગાળાના બજેટમાં ટેક્સ રીબેટના આધારે પાંચ લાખ સુધીની આવક કરતા લોકોને તો ફાયદો મળશે પરંતુ પાંચ લાખથી વધુ આવક માટે કોઈ રાહત મળી નહોતી. જો કે હવે સરકાર આવકવેરા અધિનિયમના સેક્શન 80સીની રોકાણ ઉપર છૂટની મર્યાદા વધારી શકે છે.
વર્તમાન સમયમાં 80સી હેઠળ 1.50 લાખ રૂપિયાના રોકાણ ઉપર કરમુક્તિ મળતી હતી. જેને વધારી બે લાખ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત અન્ય રાહત આપવાનો પણ વિચાર થઈ શકે છે. વધુમાં ઇન્કમ ટેક્સના સ્લેબમાં બદલાવની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે આ માટે વચગાળામાં લેવાયેલા રીબેટના નિર્ણયને પાછો ખેંચવામાં આવી શકે છે. 
આવકવેરાના નિયમ મુજબ કરદાતાને 2.5 લાખ સુધીની આવક ઉપર કોઈ કર ચૂકવવો પડતો નથી પરંતુ હવે આ રકમ 3 લાખ કરી દેવામાં આવી શકે છે. જો રકમ 3 લાખ કરવામાં આવે તો ધારા 80સીમાં રોકાણ સાથે કરદાતાને કુલ 5 લાખ સુધીની આવક ઉપર કોઈ કર ચૂકવવો પડશે નહીં.
Published on: Fri, 21 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer