અમે યુદ્ધ માટે તૈયાર ઈરાનનું એલાન

તોડી પાડયું અમેરિકાનું શક્તિશાળી ડ્રોન: અમેરિકાએ પણ કર્યો ડ્રોન તૂટયાના દાવાનો સ્વીકાર

વોશિંગ્ટન, તા. 20: અમેરિકા અને ઈરાન વચ્ચે તનાવ દરમિયાન અમેરિકાના એક શક્તિશાળી ડ્રોનને ઈરાને તોડી પાડયું છે. ઈરાને દાવો કર્યો હતો કે ઈરાનનાં વાયુક્ષેત્રમાં ઉડી રહેલા અમેરિકાના એક જાસૂસી ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે. આ દાવા બાદ અમેરિકાએ સ્વીકાર કર્યો હતો કે ઈરાને તેના 18 કરોડ ડોલરના શક્તિશાળી જાસૂસી ડ્રોનને તોડયું છે. અમેરિકાએ ડ્રોનની વાત કબૂલ્યાના થોડા સમયમાં જ ઈરાને એલાન કર્યું હતું કે, તે જંગ માટે પૂરી રીતે તૈયાર છે.  
ઈરાન અને અમેરિકા વચ્ચેનો તનાવ વધુને વધુ ઘેરો બની રહ્યો હોવાની ગલ્ફમાં યુદ્ધ છેડાય તેવી સંભાવના ફરી મજબૂત બની છે. જાસૂસી ડ્રોન મામલે અમેરિકાએ ઈરાનના એ દાવાને ફગાવ્યો હતો જેમાં આ ડ્રોન ઈરાનના વાયુક્ષેત્રમાં પ્રવેશ્યું હોવાનું કહેવામાં આવ્યું હતું. બીજી તરફ ઈરાનના કમાન્ડર હુસૈન સલામીએ ગુરુવારે ઘોષણા કરી દીધી હતી કે ઈરાનના જવાન યુદ્ધ માટે તૈયાર છે. અમેરિકાના ડ્રોનને તોડી પાડવામાં આવ્યું કારણ કે ઈરાનની સરહદ જ રેડલાઈન છે અને ડ્રોન તેને પાર કરી ચૂક્યું હતું. અમેરિકાનું ટ્રાઇટન ડ્રોન ખૂબ શક્તિશાળી છે અને 56,000 ફૂટની ઉંચાઈએ ઉડી શકે છે તેમજ તેને તોડી પાડવા દમદાર મિસાઈલ જ ઉપયોગમાં લઈ શકાય છે. જેમાંની એક રશિયાની એસ-300 સિસ્ટમ છે. જે ઈરાન પાસે છે. કહેવાઈ રહ્યું છે કે અમેરિકાના ટ્રાઈટન ડ્રોનને પહેલી વખત કોઈએ તોડી પાડયું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાને આ મસમોટી ભૂલ કરી છે. તેમના આ નિવેદન બાદ વૈશ્વિક ખનિજ તેલના ભાવમાં છ ટકાનો ઉછાળો આવ્યો હતો.
Published on: Fri, 21 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer