મહારાષ્ટ્રમાં તમામ બોર્ડની સ્કૂલોમાં મરાઠી ભાષા ફરજિયાત

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : મહારાષ્ટ્રમાં એસ.એસ.સી. સહિત આઇસીએસઈ અને સીબીએસઈ બોર્ડની શાળાઓમાં મરાઠી ભાષા શીખવવી બંધનકારક છે. તે માટે કડક કાયદો ઘડવામાં આવશે એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાન પરિષદમાં જણાવ્યું હતું.
ફડણવીસે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં મરાઠી ભણવાનું બધા માટે બંધનકારક રહેશે. કેટલીક શાળા અને ખાસ કરીને સીબીએસઈ અને આઈસીએસઈ બોર્ડની શાળાઓ તેનું પાલન કરતી નથી. તે બાબત મારા ધ્યાનમાં છે. તેના માટે કાયદામાં ફેરફાર કરીને કઠોર કાર્યવાહી કરવામાં આવશે. કોઇ પણ બોર્ડની શાળાને મરાઠી ભણાવવું પડશે.
અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના ભૂતપૂર્વ અધ્યક્ષ લક્ષ્મીકાંત દેશમુખ અને `મરાઠીચ્યા ભલ્યાસાઠી વ્યાસપીઠ'ના અધ્યક્ષ મધુ મંગેશ કર્ણિક મરાઠી ભાષા વિશે સરકારનું ધ્યાન દોરવા માટે 24મી જૂનના દિવસે આઝાદ મેદાનમાં આંદોલન કરવાના છે.
`મરાઠીચ્યા ભલ્યાસાઠી વ્યાસપીઠ' સંસ્થા વિવિધ માગણીના ટેકામાં આંદોલન કરવાની છે. તામિલનાડુ અને તેલંગણ રાજ્યોની જેમ મરાઠી શિક્ષણ કાયદો અને મરાઠી ભાષા વિકાસ પ્રાધિકરણ કાયદો વિધાનગૃહોના વર્તમાન અધિવેશનમાં પસાર કરવો, મરાઠી શાળાઓને બંધ પડતી રોકવા માટે યોજના ઘડવી. 
મુંબઈમાં મરાઠી ભાષા ભવન બાંધવું અથવા ઍરઇન્ડિયાની ઇમારતમાં ચાર માળ આપવા, શાળાના વિદ્યાર્થીઓને વાંચનની ટેવ પાડવા પરિપત્ર કાઢવો, મરાઠીને વિનાવિલંબે અભિજાત ભાષાનો દરજ્જો આપવા સાહિત્યકારોના પ્રતિનિધિમંડળ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લેવી એવી માગણીઓ `મરાઠીચ્યા ભલ્યાસાઠી વ્યાસપીઠ' દ્વારા કરવામાં આવી છે.
Published on: Fri, 21 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer