રથયાત્રા માટે આસામથી મદનિયાં ગુજરાત લઈ જવા સામે વિરોધ

`પીટા' જેવા એનજીઓને સખત વાંધો : સુપ્રીમ કોર્ટમાં જશે

ગુવાહાટી, તા. 20 : અમદાવાદની રથયાત્રા માટે આસામથી ગુજરાત ટ્રેનમાં ચાર મદનિયાં (બાળ હાથી) લઈ જવા સામે આસામના અને દેશનાં અન્ય સ્થળોનાં પ્રાણીઓના અધિકારો માટે લડતા એક્ટિવિસ્ટોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાનો નિર્ણય લીધો છે.
પીપલ ફૉર ધી એથિકલ ટ્રીટમેન્ટ અૉફ એનિમલ્સ (પીટા) જેવા એનજીઓએ પણ હાથીઓની આવી સફર સામે વાંધો ઉઠાવ્યો છે અને આ સંબંધમાં સર્વોચ્ચ અદાલતના 2016ના આદેશને ટાંક્યો છે.
``એવું લાગી રહ્યું છે કે, આવી ગરમીમાં ધાતુના વેગનોમાં હાથીઓને 3000 કિલોમીટર જેવી મુસાફરી કરાવવા આસામ સરકાર વગદાર લોકોના દબાણમાં આવી ગઈ છે. આવાં વેગનોમાં મુસાફરી કરનારા હાથીઓ બચી શકશે કે કેમ એ સવાલ છે. માત્ર સુપ્રીમ કોર્ટ જ આ બાબતમાં ઘટતું કરી શકે તેમ છે અને વિશ્વભરના આવા એક્ટિવિસ્ટોનું એક ગ્રુપ આવા અત્યાચારથી હાથીઓને બચાવવા એકઝૂટ થઈ રહ્યું છે.'' એમ આસામના એનિમલ રાઈટ્સ એક્ટિવિસ્ટ નંદિની બરૂઆએ જણાવ્યું હતું.
``િનષ્ણાતોએ હાથીઓને આટલા લાંબા અંતર સુધી રેલવે વેગનોમાં લઈ જવાના ખતરા સામે ચેતવ્યા છે. અમે સરઘસો કે એવા પ્રકારના કાર્યક્રમોમાં યાંત્રિક હાથીઓનો ઉપયોગ કરવાની ભલામણ કરી છે,''  એમ ``પેટા ઇન્ડિયા''ના ચીફ એક્ઝિક્યુટીવ અધિકારી મણિલાલ વલિયાતેએ જણાવ્યું હતું.
આસામ વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ હાથીઓ પર માઈક્રોચિપ્સ લગાવ્યા બાદ અને તેમના ડીએનએ નમૂના લીધા બાદ ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન રંજના ગુપ્તાએ છ મહિનાની લીઝ પર તેમની મુસાફરી માટેની પરવાનગી આપી હતી.
Published on: Fri, 21 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer