ભાઇલોગને ખંડણીમાં માંડવાલી કરવાના માઠા દહાડા આવ્યા

ઇજાઝ લાકડાવાલા સક્રિય થયો પરંતુ ગૅંગ ઊભી કરવાના પૈસા કે વિશ્વાસુ માણસો નથી

મુંબઈ, તા. 20 : છોટા રાજન, ઇકબાલ કાસકર અને રવિ પૂજારી પકડાયા બાદ ગૅંગસ્ટર તરીકે ધાક જમાવવા છોટા રાજનનો જ પૂર્વ શાર્પશૂટર ઇજાઝ લાકડાવાલા સક્રિય થયો છે પરંતુ ઘણું મોડું થઇ ગયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે લાકડાવાલાએ ખંડણી માટે કરેલા ધમકીભર્યા ફોન કૉલ્સ આંતરાયા છે તેના પરથી લાગી રહ્યું છે કે તેની પાસે પૈસા નથી અને તેનો પડયો બોલ ઝીલનારા વિશ્વાસુ માણસો નથી.
લાકડાવાલાએ વર્ષ 2001માં પોતાની ગૅંગ શરૂ કરી હતી, પરંતુ તે સમયે અન્ય ગેન્ગસ્ટરો મજબૂત હોવાથી લાકડાવાલાની ગૅંગ ધાક જમાવી નહોતી શકી. પરંતુ છેલ્લા ચારેક મહિનાથી લાકડાવાલાએ પશ્ચિમ મુંબઈના બિઝનેસમૅનો અને બીલ્ડરોને ખંડણી માટે ફોન કૉલ્સ કરવાનું શરૂ કર્યું છે, એમ પોલીસે જણાવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે અગાઉ છેક વર્ષ 2016માં લાકડાવાલાએ ઓશિવરાના એક બિઝનેસમૅનને પતાવી દેવાની ધમકીઓ આપી હતી, ત્યાર બાદ તે હાજરી નોંધાવવા નામ પૂરતા ફોન કૉલ્સ કરતો હતો પરંતુ મોટા ભાગે નિક્રિય રહ્યો હતો.
જોકે, આ વર્ષે જાન્યુઆરીમાં સેનેગલમાં રવિ પૂજારીની ધરપકડ બાદ લાકડાવાલા દ્વારા મુંબઈમાં ખંડણી માટેના ફોન આવવાના કેસોમાં વધારો થયો છે. અન્ય એક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે હવે લાકડાવાલાની હાલત પાતળી હોવાનું જણાઇ રહ્યું છે. કેટલાંક કેસમાં તો તેણે જેમને ફોન કર્યા હતા. તેમને એવું પણ કહી રહ્યો છે કે આંતરરાષ્ટ્રીય ફોન કોલ્સ મોંઘા પડે છે, તમારાથી કેટલી રકમની વ્યવસ્થા થઇ શકે એમ છે. લાકડાવાલા ખંડણી (પ્રોટેક્શન મની) માટે કરોડો રૂપિયા માગવાની શરૂઆત કરે છે અને બાદમાં પચાસ હજાર રૂપિયાથી નીચેની રકમમાં પણ માંડવલી કરવા તૈયાર થઇ જાય છે. આ દર્શાવે છે કે લાકડાવાલા જે મળે તે લઇ લેવા તલપાપડ છે, તેથી તે આર્થિક ભીંસમાં છે. 
લાકડાવાલાની બીજી મુશ્કેલી એ છે કે તેની પાસે પડતો બોલ ઝીલીને જોખમ લેનારા વિશ્વાસુ માણસો નથી. માર્ચમાં મલાડના એક બિઝનેસમૅનને ધમકી આપ્યા બાદ પૈસા લેવા તેણે પોતાના ભાઇ અખિલને મોકલ્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચે તેને પકડી લીધો હતો. અખિલ હજુએ જેલમાં જ છે.
દાઉદ ઇબ્રાહિમ અને છોટા રાજન સાથે અંધારી આલમ ચલાવતા હતા ત્યારે રાજને મુંબઈમાં મોટા થયેલા લાકડાવાલાને ગૅંગમાં જોડયો હતો. બાદમાં વર્ષ 1993માં દાઉદ અને રાજન અલગ થયા ત્યારે લાકડાવાલાએ રાજન સાથે રહેવાનું નક્કી કર્યું હતું. જોકે, વર્ષ 2001માં છોટા રાજનને પતાવી દેવા માટે હુમલો કરાયા બાદ લાકડાવાલા રાજનથી અલગ થઇ ગયો હતો. રાજનને સતત શંકા હતી કે તેના વિશ્વાસુ માણસો જ દાઉદને સઘળી માહિતી પહોંચાડી રહ્યા છે, તેથી લાકડાવાલા રાજનનો સાથ છોડીને પોતાની ગૅંગ તૈયાર કરવા નીકળી પડયો હતો. 
Published on: Fri, 21 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer