બેસ્ટના ટિકિટદરમાં ઘટાડાના પ્રસ્તાવને આજે મંજૂરી મળશે ?

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : મુંબઈગરાની લાઇફલાઇન ગણાતી બેસ્ટની બસના ટિકિટના દરમાં ઘટાડો થવાનો છે. હવે પાંચ કિલોમીટરના પ્રવાસ માટે ફક્ત પાંચ રૂપિયા આપવા પડશે. આવતી કાલે ભરાનારી બેસ્ટ સમિતની બેઠકમાં બસનાં ભાડાંના નવાં માળખાંને મંજૂરી અપાય એવી સંભાવના છે એવી માહિતી સૂત્રોએ આપી હતી. બેસ્ટના ટિકિટના નવા દરનું માળખું નજીકના ભવિષ્યમાં લાગૂ પડાશે. છેલ્લાં થોડા વર્ષોથી બેસ્ટની આવકમાં ઘટાડો થતાં બસની ટિકિટના દરમાં વધારો કરવામાં આવ્યો હતો. હાલમાં મીનીમમ ભાડું આઠ રૂપિયા છે. ટ્રાફિક જામ, શેર ટેક્સી-રિક્સાની હરીફાઈ અને પ્રવાસીએ ફેરવેલી પીઠને લીધે બેસ્ટની આવકમાં જંગી ઘટાડો થયો હતો. પ્રવાસીઓને ફરી બેસ્ટની બસ તરફ વાળવા ટિકિટના દર ઘટાડવાની માગણી પેસેન્જરે વારંવાર કરી હતી. 
નવો પ્રસ્તવા શું છે?
બેસ્ટના નવા દર માળખા પ્રમાણે પાંચ કિલોમીટરના પ્રવાસ માટે પેસન્જરે પાંચ જ રૂપિયા ચૂકવવા પડશે. ત્યાર બાદ દસ કિલોમીટર સુધી દસ રૂપિયા, 15 કિલોમીટર સુધી 15 રૂપિયા અને 15થી વધારે કિલોમીટરનાં અંતર માટે 20 રૂપિયાની ટિકિટ લેવી પડશે. દૈનિક પાસ 50 રૂપિયાનો હશે. ઍરકન્ડિશન્ડ બસોના ટિકિટના દર પણ ઘટાડવામાં આવશે. એસી બસમાં પાંચ કિલોમીટર સુધી છ રૂપિયા, 10 કિલોમીટર સુધી 13 રૂપિયા, 15 કિલોમીટર સુધી 19 રૂપિયા અને 15થી વધારે કિલોમીટર માટે 25 રૂપિયા ચૂકવવા પડશે. 
હાલમાં જ નિમાયેલા પાલિકા આયુક્ત પ્રવીણ પરદેશીએ થોડા દિવસો પૂર્વે એવો અણસાર આપ્યો હતો કે બેસ્ટની બસના ટિકિટના દર ઘટાડવામાં આવશે. પાલિકાએ અમુક શરતો સાથે બેસ્ટને મદદ કરવાનું વચન આપ્યું હતું. 
Published on: Fri, 21 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer