ભારતમાં 45000 કરોડના ખર્ચે થશે 6 સબમરીનનું નિર્માણ

મોદી સરકારનો મોટો નિર્ણય : વિદેશી કંપની ભારતીય પાર્ટનર સાથે મળી કરશે કામ

નવી દિલ્હી, તા. 20 : લાંબી રાહ જોયા બાદ હવે ભારતીય નૌકાદળના સતત કમજોર થઈ રહેલા સબમરીન બેડા માટે એક સારા સમાચાર આવ્યા છે. નવી સરકારે ગુરૂવારે 6 નવી સબમરીનના ભારતમાં જ નિર્માણના પ્રોજેક્ટને આગળ વધારતા ભારતીય નિર્માતા પસંદ કરવાની કામગીરી શરૂ કરી છે. આ પ્રોજેક્ટમાં કોઈ વિદેશી કંપની ભારતીય શિપયાર્ડ સાથે મળીને 6 ડીઝલ ઈલેક્ટ્રિક સબમરીન બનાવશે. જેના પાછળ અંદાજીત 45000 કરોડ રૂપિયા ખર્ચ થશે. મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ સબમરીનનું નિર્માણ બીજો સૌથી મોટો રક્ષા કરાર થશે. 
પ્રોજેક્ટ 75(આઈ) હેઠળ બનનારી સબમરીન ડીઝલ-ઈલેક્ટ્રીક એટલે કે પરંપરાગત રહેશે. પરંતુ તેમાં એર ઈન્ડીપેન્ડન્ટ પ્રોપ્યુલેશન (એઆઈપી) સહિતના આધુનિક ઉપકરણ અને ટેક્નોલોજી રહેશે.  એઆઈપીથી કોઈપણ ડીઝલ-ઈલેક્ટ્રીક સબમરીન લાંબા સમય સુધી પાણીની અંદર રહી શકે છે. જેનાથી સબમરીન રડારમાં પકડાવાની સંભાવના ઘટી જાય છે. આ સબમરીન સ્ટ્રેટેજીક પાર્ટનરશિપ હેઠળ થશે. એટલે કે વિદેશી કંપની ભારતીય પાર્ટનર સાથે મળીને સબમરીનના નિર્માણ માટે જરૂરી માળખું ઉભું કરશે અને ત્યાં જ નિર્માણ થશે. ભારતીય નૌકાદળ મધ્ય પૂર્વમાં ઓમાનની ખાડીથી લઈને સુદૂર પૂર્વમાં સ્ટેટ ઓફ મલ્લકા સુધી જવાબદારી સંભાળે છે. તેવામાં સમુદ્રમાં દબદબા સાથે પાડોશી ઉપર નજર રાખવા માટે સબમરીનની ભૂમિકા ખુબ જ મહત્વની છે. 
Published on: Fri, 21 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer