સિંહોનાં મોત મામલે કોર્ટ મિત્રનો હાઈ કોર્ટમાં રિપોર્ટ

માઇનિંગ અને રાતની ટ્રેનો બંધ કરવા સૂચન

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 20 : રાજ્યમાં સિંહોનાં અકાળે મૃત્યુ થતાં હાઇ કોર્ટમાં આ મામલે અરજી થઇ હતી. જે બાદ હાઇ કોર્ટે કોર્ટ મિત્રને આ મામલે રિપોર્ટ તૈયાર કરવા માટે કહ્યુ ંહતું. એમિક્સ ક્યુરીએઁ માઇનિંગ, રેલવે લાઇન, ગેરકાયદે લાયન શો સહિતના વિવિધ નવ મુદ્દાઓને આવરી લઇને પોતાનો રિપોર્ટ તૈયાર કર્યો છે અને પોતાના રિપોર્ટમાં તેમણે ગીર અભ્યારણ્યમાં રાતની  ટ્રેનો બંધ કરવા માટેનું પણ સૂચન કર્યું છે. 
એમિક્સ ક્યુરીએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, રેલવે ટ્રેક પાસે ફેન્સિંગ કરવાને કારણે સિંહોનું પ્રાકૃતિક પ્રમાણ ઘટે છે. રાત્રિના સમયે પીપાવાવ પોર્ટ તરફ જતી ટ્રેનો પર રોક લગાવવાનું સૂચન રિપોર્ટમાં કરવામાં આવ્યું છે. સાથે તેમણે જણાવ્યું છે કે, ટ્રેનની અડફેટે સિંહોનાં મોતને અટકાવવા માટે રાત્રિના સમયે ટ્રેનોને બંધ કરવી જોઇએ. ગીર અભ્યારણ્યમાં પસાર થતી ટ્રેનની ઝડપ ઘટાડવાની પણ જરૂર છે. એટલું જ નહીં, પણ ગીર અભ્યારણ્યમાંથી  પસાર થતાં રેલવે ટ્રેકને પણ શિફ્ટ કરવાનું સૂચન પણ એમિક્સ ક્યુરીએ કર્યું છે. 
આ ઉપરાંત એમિક્સ ક્યુરીએ સિંહોના ગળામાં વીડિયો કોલિંગ અને જીપીએસ કનેક્ટિવિટીનું પણ સૂચન કર્યું છે. તો રિપોર્ટમાં કહેવાયું છે કે, ઇલેક્ટ્રિક ફેન્સિંગને કારણે કોઇ સિંહોનાં મોત નીપજ્યાં નથી. તો ગીર અભ્યારણ્યમાં ચાલતી વિવિધ માઇનિંગ પ્રવૃત્તિને કારણે પણ સિંહનાં મોત નીપજતાં હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. આ સાથે ગેરકાયદે લાયન શો કરતા લોકો સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવા અને આવા ગુનાઓને બિનજામીનપાત્ર ગુનો ગણવા માટે પણ સૂચન કર્યું છે. 
ક્યુરીએ રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે કે, સિંહ શિકાર કરી શકે તેવા પશુઓની સંખ્યા ગીરમાં ઘટી છે. જેને કારણે પશુઓની સંખ્યા વધારવા માટે પણ સૂચન કર્યું છે. સાથે જ સિંહો માટે પાણીની અછત હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જે બાદ તેમણે સૂચન કર્યું કે, સિંહો માટે પીવાનાં પાણીની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે.
Published on: Fri, 21 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer