રિતિક રોશનની બહેનનો આક્ષેપ

રિતિક રોશનની બહેનનો આક્ષેપ
પરિવાર આપે છે મને ત્રાસ, મારા મુસ્લિમ પ્રેમી સામે વાંધો છે  

મુંબઈ, તા. 20 : ફિલ્મમેકર રાકેશ રોશનના ઘરનો આંતરિક ઝઘડો અત્યારે બૉલીવૂડમાં ચર્ચાનો વિષય બન્યો છે. રાકેશ રોશનની દીકરી અને અભિનેતા રિતિક રોશનની બહેન 47 વર્ષીય સુનૈના રોશનને દિલ્હીના મુસ્લિમ પત્રકાર સાથે પ્રેમ થઈ ગયો છે અને એ સામે તેના પરિવારને વાંધો છે.
સુનૈનાનું કહેવું છે મારા પ્રેમ સંબંધને લઈ મારા પિતાએ મારા પર હાથ ઉપાડયો હતો તથા મને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. મારા ભાઈએ મને મુંબઈમાં ક્યાંક ઘર અપાવવાનો વાયદો કર્યો હતો અને એ વાયદો હવે તે પાળવાની પણ ના પાડે છે. મારા ઘર ખર્ચના પૈસામાં પણ કાપ મૂકી દેવામાં આવ્યો છે. અત્યારે હું નર્ક જેવી  પરિસ્થિતિમાં જીવું છે.
આ મુદ્દે સુનૈનાએ ટ્વીટર દ્વારા અભિનેત્રી કંગના રનૌત અને તેની બહેન રંગોલીની મદદ માગી હતી. રિતિક રોશન અને કંગના રનૌત એકબીજાના વેરી છે.  
સુનૈના દિલ્હીના મુસ્લિમ પત્રકાર રૂહૈલ અમીન સાથે પ્રેમમાં છે. સુનૈનાએ કહ્યું હતું કે, હું અને રૂહૈલ ગત વર્ષે ફેસબુક પર મળ્યા હતા. અમે એકબીજાનો નંબર લીધો હતો, પણ મે રૂહૈલ અમીનનો નંબર  ફોનમાં સેવ નથી કર્યો. કારણ કે મારા ઘરવાળાને તેના વિષે ખબર ન પડે તેવી મારી ઈચ્છા હતી. આ પ્રેમસંબંધને લઈ મારા પિતા રાકેશ રોશને મને લાફો માર્યો હતો અને કહ્યું હતું કે હું એક આતંકવાદીને પ્રેમ ન કરી શકું. એ મુસ્લિમ છે એનો અર્થ એ નથી કે એ આતંકવાદી છે અને જો એ આતંકવાદી હોત તો આમ છુટ્ટો ન ફરતો હોત અને પત્રકાર તરીકે પણ કામ ન કરતો હોત. અત્યારે તેની સાથે લગ્ન વિષે કોઈ વિચાર નથી કર્યો પણ હું એની સાથે રહેવા માગું છું, પણ તે મુસ્લિમ હોવાથી મારો પરિવાર તેને સ્વીકાર નથી કરતો. 
સુનૈનાએ કહ્યું હતું કે કંગાન રનૌત મહિલા સશક્તીકરણમાં માનતી હોવાથી મેં તેના પર વિશ્વાસ રાખી તેની મદદ માગી હતી. મને મારા  ભાઈ રિતિક અને કંગના વચ્ચેના વિવાદ વિષે કોઈ જ માહિતી નથી. 
જોકે, કંગના રનૌતે સુનૈનાના ફોન ઉપાડવાનું બંધ કર્યું છે જ્યાં કંગનાની બહેન રંગોલીએ સુનૈનાના સપોર્ટમાં ટ્વીટ કર્યું હતું. 
રોશન પરિવાર તરફથી આર્થિક મદદ ન મળતી હોવાનો આક્ષેપ પણ સુનૈનાએ કર્યો છે. તેણે કહ્યું હતું કે, માતા-પિતા મહિને ફક્ત 50,000 રૂપિયા જ આપે છે જે મારા ખર્ચ માટે પૂરતા નથી. રોશન પરિવારની દીકરી હોવાથી વધુ પૈસા મળે એ મારો હક છે. છેલ્લાં બે વર્ષથી કોઈ પણ પૈસા આપવામાં નથી આવ્યા. નાના ભાઈ રિતિકે પણ ઘર અપાવવાનો પોતાનો વાયદો પૂરો નથી કર્યો. મુંબઈમાં મને જ્યાં ગમે ત્યાં ઘર લઈ આપવાનું રિતિકે વચન આપ્યું હતું, પણ હજી લઈ આપ્યું નથી.  જ્યારે મેં મારી જાતે ભાડાં પર ઘર શોધ્યું ત્યારે અઢી લાખ રૂપિયા ભાડું બહુ કહેવાય તેવું કહીને તેણે ભાડું આપવાની ના પાડી દીધી હતી. બધા જ લોકો મને ત્રાસ આપી રહ્યા છે.
Published on: Fri, 21 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer