કોસ્ટલ રોડ યોજનાના પ્રારંભ પહેલાં જ ખર્ચમાં વધારો

કોસ્ટલ રોડ યોજનાના પ્રારંભ પહેલાં જ ખર્ચમાં વધારો
મુંબઈ, તા. 20 : મુંબઈની મહત્વકાંક્ષી યોજના કોસ્ટલ રોડનું બાંધકામ હજી શરૂ પણ નથી થયું તે પહેલા આ યોજનાના ખર્ચના રોકાણમાં 1000 કરોડ રૂપિયાનો વધારો થઈ ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે, યોજનાના નિર્માણમાં 10 મહિના મોડુ થયુ હોવાથી રોકાણમાં વધારો થયો છે. જો કોસ્ટલ રોડનું બાંધકામ શરૂ થવામાં હજી વિલંબ થશે તો ખર્ચ હજી વધુ વધશે. યોજનાના રોકાણમાં 1000 કરોડ રૂપિયા વધારો થવાની સરકારની ચિંતા વધી છે. 
બુધવારે વિધાનસભામાં સભ્યોએ કોસ્ટલ રોડની યોજના સંબંધિત સાવલો કર્યા હતા ત્યારે રાજ્યકક્ષાના નગર વિકાસ પ્રધાન યોગેશ સાગરે કહ્યું હતું કે, કોસ્ટલ રોડ નિર્માણ સંબંધિત બધી જરૂરી પરવાનગીઓ કેન્દ્ર સરકાર પાસેથી મળી ગઈ છે. યોજનાને લીધે કોલીવાડા અને માછીમારોને જે અસર થતી હતી તેનો પણ ઉકેલ લાવવામાં આવ્યો છે. કોલીવાડા અને માછીમારોની સમસ્યાનો પ્રશ્ન પહેલા મુંબઈ હાઈ કોર્ટમાં હતો. જેના વિરોધમાં સરકાર સુપ્રિમ કોર્ટમાં ગઈ હતી. તેને કારણે સમય લંબાયો હતો અને યોજનાના રોકાણમાં વધારો થયો હતો. 
મુંબઈ કોસ્ટલ રોડ યોજનાના ફાયદા જણાવતા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, મુંબઈગરાંને સુનામી જેવી પ્રાકૃતિક આપત્તિથી બચાવવામાં કોસ્ટલ રોડ મહત્વનો સાબિત થશે. તેમ જ પર્યટકો માટે પણ કોસ્ટલ રોડ આકર્ષણનું કેન્દ્ર બનશે. મરીનડ્રાઈવથી કાંદિવલી સુધી કોસ્ટલ રોડ 29 કિમીનો છે. આ યોજનાને કારણે કોલીવાડામાં રહેતા માછીમારોને પણ કોઈ તકલીફ નહીં પડે. 
તેઓ આ યોજનાથી પ્રભાવિત થશે. તેમને વળતર આપવામાં આવશે અને જરૂર હશે તો પુર્નવસન પણ કરવામાં આવશે. મુખ્ય પ્રધાને ઉમેર્યું હતું કે, 100 કરોડ રૂપિયા કરતા વધુ રોકાણવાળી યોજનાઓમાં આવતી અડચણોને ત્રણ મહિનામાં દુર કરવા માટે એક અલગ વિભાગ બનાવવામાં આવશે. 
Published on: Fri, 21 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer