પક્ષપ્રમુખનો હોદ્દો છોડવા રાહુલ ગાંધી અડગ

પક્ષપ્રમુખનો હોદ્દો છોડવા રાહુલ ગાંધી અડગ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 20 : લોકસભાની ચૂંટણીમાં પક્ષના ધબકડાને પગલે કૉંગ્રેસના પ્રમુખપદેથી ખસી જવાના પોતાના નિર્ણના એક મહિના બાદ રાહુલ ગાંધીએ આજે ગુરુવારે ફરી એકવાર આ હોદ્દો છોડવાની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે, નવા પક્ષપ્રમુખની પસંદગીની પ્રક્રિયામાં પોતે સામેલ થશે નહીં. `આગામી કૉંગ્રેસપ્રમુખ કોણ બનશે તેનો નિર્ણય હું કરીશ નહીં' એમ રાહુલે જણાવ્યું હતું. પરિસ્થિતિ યથાવત્ રાખવાના કૉંગ્રેસના આગ્રહ છતાં હવે રાહુલ ગાંધીને હોદ્દો છોડવાથી કોઈ રોકી શકશે નહીં એ વાત આજે પુરવાર થઈ ગઈ હતી. હવે આજની આ ઘટના બાદ કૉંગ્રેસના સંસદીય અધ્યક્ષા સોનિયા ગાંધીએ પક્ષના નવા પ્રમુખ માટેની શોધ આદરવી પડશે.
લોકસભામાં પક્ષના નેતા તરીકેની જવાબદારી લેવાનો ઇનકાર રાહુલે કરતાં પક્ષની નેતાગીરી વિમાસણમાં મુકાઈ ગઈ હતી. કૉંગ્રેસે આખરે આ હોદ્દા માટે પાંચ વખત સાંસદ રહી ચૂકેલા અધીર રંજન ચૌધરીની પસંદગી કરી હતી.
મોબાઈલમાં મશગૂલ રાહુલ
દરમિયાન, સંસદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દનાં અભિભાષણ સમયે રાહુલ ગાંધીનું ધ્યાન સતત મોબાઈલમાં હોવાના વીડિયો વાયરલ થયા બાદ રાહુલ ગાંધી ભાજપના નિશાને આવ્યા છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ અને બાબુલ સુપ્રિયો સહિત સત્તાપક્ષના સાંસદોએ રાહુલ ઉપર કટાક્ષ કરીને ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. ગિરિરાજ સિંહે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ પાંચ વર્ષનો રોડમેપ રજૂ કરી રહ્યા હતા ત્યારે પોતાને ગંભીર નેતા ગણાવતા અમુક નેતા ગંભીર ન હોય તો તે દુર્ભાગ્યપૂર્ણ છે.
ગિરિરાજ સિંહે કહ્યું હતું કે દેશ જોઈ રહ્યો છે કે કોણ કેટલા પ્રમાણમાં ગંભીર છે. ભાજપ સાંસદ બાબુલ સુપ્રિયોએ કહ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષનાં વલણથી સ્પષ્ટ થયું છે કે તેમને રાષ્ટ્રપતિનાં અભિભાષણમાં રસ નહોતો. રાહુલ ગાંધીને દેશહિતના વિષયમાં રસ નથી. જ્યારે કેન્દ્રીય મંત્રી આર કે સિંહે રાહુલ ગાંધીનાં વલણને સંસદીય મર્યાદાઓના ઉલ્લંઘન સમાન ગણાવ્યું હતું. સાંસદ કિરણ ખેરે કહ્યું હતું કે, રાહુલ ગાંધીનું બિનજવાદાર વલણ જ કોંગ્રેસની હારનું કારણ છે. 
Published on: Fri, 21 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer