દેશને સશક્ત અને સુરક્ષિત બનાવવા સરકાર કૃતનિશ્ચયી કોવિન્દ

દેશને સશક્ત અને સુરક્ષિત બનાવવા સરકાર કૃતનિશ્ચયી કોવિન્દ
સંસદના સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિનું સંબોધન

પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 20 : રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે આજે સંસદ ભવનના કેન્દ્રીય હૉલમાં બન્ને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કરતા લોકસભાની ચૂંટણીનાં પરિણામોને ભારતની વિકાસયાત્રા ચાલુ રાખવાનો જનાદેશ ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે, સરકારે ખેડૂતો, વેપારીઓ સહિત સમાજના તમામ વર્ગો માટે મહત્ત્વના નિર્ણયો લીધા છે અને તેના પર અમલ શરૂ કરી દીધો છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર એક મજબૂત, સુરક્ષિત અને સમાવેશી ભારત બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. લોકોએ 2014માં શરૂ થયેલી ભારતની વિકાસયાત્રાને ચાલુ રાખવા જનાદેશ આપ્યો છે. લોકસભાની ચૂંટણી માટે 61 કરોડથી વધુ લોકોએ મતદાન કરીને રેકર્ડ બનાવ્યો અને અગાઉની સરખામણીમાં મહિલાઓની મતદાનમાં સર્વાધિક ભાગીદારી રહી હતી.
રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું હતું કે, મહિલા સશક્તીકરણની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને આ સંબંધમાં રાજ્યોના સહયોગથી અનેક પગલાં ભરવામાં આવ્યાં છે. દેશની પ્રત્યેક બહેનો અને દીકરીઓ માટે સમાન અધિકાર સુનિશ્ચિત કરવા ત્રણ તલાક અને નિકાહ હલાલા જેવી કુપ્રથાઓને દૂર કરવી જરૂરી છે.
રાષ્ટ્રપતિએ સાંસદોને સલાહ આપતાં જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિના રૂપમાં તેમણે પોતાના કર્તવ્યોને પ્રાથમિકતા આપવી જોઈએ.
તેમણે પોતાના પ્રવચનમાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે કરાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે, વારંવાર ચૂંટણીઓ થતી હોવાથી દેશના વિકાસની ગતિ પ્રભાવિત થાય છે.
તેમણે જણાવ્યું હતું કે, આજે સમયની માગ છે કે, ``એક રાષ્ટ્ર એક ચૂંટણી''ની વ્યવસ્થા લાવવામાં આવે જેથી દેશનો વિકાસ તેજીથી થઈ શકે. તેમણે તમામ સાંસદોને આ બાબત પર ગંભીરતાથી વિચારવાનું આહ્વાન કર્યું છે.
રાષ્ટ્રપતિએ તેમના સંબોધનમાં મોદી સરકારના 2014 બાદના પાંચ વર્ષો દરમિયાન કરાયેલા લોકકલ્યાણ કાર્યક્રમો અને નિર્ણયોની પણ જાણકારી આપી હતી.
Published on: Fri, 21 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer