આંતરરાષ્ટ્રીય યોગ દિવસ રાંચીના મુખ્ય કાર્યક્રમમાં વડા પ્રધાન મોદી અતિથિ વિશેષ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ રાંચીના મુખ્ય કાર્યક્રમમાં વડા પ્રધાન મોદી અતિથિ વિશેષ
અમિત શાહ રોહતકમાં હાજરી આપશે : વિધાનસભાની ચૂંટણી યોજાનારાં રાજ્યો પર ભાજપનું મુખ્ય ફોકસ

અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 20 : આવતી કાલે પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના માધ્યમથી ભારતીય જનતા પક્ષ (ભાજપ) દ્વારા એ રાજ્યો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લેવાયો છે. જ્યાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ આવતી કાલે 21 જૂને ઝારખંડની રાજધાની રાંચીમાં યોજાશે. જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. જ્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ હરિયાણાના રોહતકમાં આયોજિત યોગ શિબિરમાં સામેલ થશે.
આગામી ત્રણ મહિનાની અંદર હરિયાણા, ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે, ભાજપના બે મુખ્ય ચહેરાઓ આ રાજ્યોમાં રાજકીય સમીકરણો સાધવાની કવાયત કરશે.
મહારાષ્ટ્રમાં નાંદેડના પ્રસિદ્ધ શીખ ગુરુદ્વારામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યોગગુરુ બાબા રામદેવ અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ હાજર રહેશે.
ઝારખંડની રાજધાની રાંચીમાં આયોજિત મુખ્ય યોગ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે રાજ્યના મુખ્ય પ્રધાન રઘુવર દાસ સહિત ભાજપના મુખ્ય નેતાઓ સામેલ થશે. લોકસભાની ચૂંટણીમાં મોટા વિજયથી ઉત્સાહિત ભાજપે ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં 65થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્યાંક રાખ્યું છે. 2014ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 81થી 37 બેઠકો અને તેના સાથી પક્ષ અૉલ ઇન્ડિયા ઝારખંડ સ્ટુડન્ટસ યુનિયનને પાંચ બેઠકો મળી હતી.
હરિયાણામાં ભાજપ પ્રમુખ અમિત શાહ રોહતકમાં યોગ દિવસ મનાવશે. આ અવસરે તેઓ મોટી જાહેરાત કરી શકે છે, જેથી વિધાનસભાની ચૂંટણીમાં લાભ મળે. હરિયાણામાં લોકસભાની દસે દસ બેઠકો જીત્યા બાદ ભાજપ ઉત્સાહિત છે. ભાજપે હરિયાણા વિધાનસભાની કુલ 90 બેઠકોમાંથી 75 બેઠકો જીતવાનું લક્ષ્યાંક રાખ્યું છે.
Published on: Fri, 21 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer