વૈશ્વિક સોનું છ વર્ષની ઊંચાઇ નજીક

વૈશ્વિક સોનું છ વર્ષની ઊંચાઇ નજીક
મુંબઈમાં 24 કૅરેટનો ભાવ રૂા. 34,165

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 24 : સોનાની તેજી ધારણા કરતાં વધારે આગળ ધપતાં સોમવારે 1400નું મથાળું વટાવીને 1409 ડોલરની છ વર્ષની ઊંચાઇ નજીક રનિંગ હતું. અમેરિકા અને યુરોપ ઉપરાંત ભારતની મધ્યસ્થ બૅન્ક પણ વ્યાજદર ઘટાડા અને મંદીના સંકેતો આપી રહી છે એ ઉપરાંત અમેરિકા અને ઇરાન વચ્ચે વણસતી સ્થિતિ પણ સોનાની તેજીને વેગ આપે છે. સલામત રોકાણ માટે ફંડોની ખરીદી વધવા લાગી છે.
વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ સળંગ પાંચમા સેશનમાં વધ્યો હતો. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ઇરાન સામે યુદ્ધ નહીં ઇચ્છતા હોવાનું નિવેદન આપ્યું હતું પરંતુ વોશિંગ્ટન દ્વારા ઇરાન ઉપર વધુ કડક અંકુશો સોમવારે લાદવામાં આવે તેવી શક્યતા વ્યક્ત થતાં સોનું મક્કમતાપૂર્વક ઊંચકાઇને સ્થિર રહી શક્યું હતું.
એએનઝેડના વિશ્લેષક ડેનિયલ હાયનેસ કહે છે, હવે મધ્યસ્થ બૅન્કો વ્યાજદર અંગે કેવાં નિવેદનો આપે છે તે મહત્ત્વનું બનશે. અમેરિકા અને ઇરાન વચ્ચેનું ટેન્શન સોનાને ખરીદી માટે પ્રેરણા આપતું રહેશે. સોનાના ભાવમાં તમામ પ્રતિકારક સપાટીઓ વટાવાઇ ગઇ છે. એ જોતાં હવે 1400 ડોલરની ઉપર સ્થિર થઇ જાય તેવી સંભાવના નકારાતી નથી. જોકે એફસીસ્ટોનનો મત જુદો છે, ડોલર નબળો છે પણ ગમે ત્યારે તેજીમાં આવે તો સોનાનો ભાવ ફરીથી થોડો ઘટી શકે છે. છતાં ચાર્ટ પ્રમાણે 1380 મહત્ત્વની ટેકારૂપ સપાટી માનવામાં આવે છે આ સ્તર તૂટે નહીં ત્યાં સુધી મોટી મંદી આવવી મુશ્કેલ છે.
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ 10 ગ્રામદીઠ રૂા. 200ના ઘટાડામાં રૂા. 34,000 અને મુંબઇમાં રૂા. 134 વધીને રૂા. 34,165 હતો.ન્યૂ યોર્કમાં ચાંદીનો ભાવ 15.34 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ રનિંગ હતો. રાજકોટ ચાંદી કિલોએ રૂા. 200 વધી જતાં રૂા. 38,200 અને મુંબઇમાં રૂા. 65 વધતાં રૂા. 37,945 હતી.
Published on: Tue, 25 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer