સેબીના નવા નિયમોથી શૅરબ્રોકર્સ માટે મુશ્કેલ સમય

સેબીના નવા નિયમોથી શૅરબ્રોકર્સ માટે મુશ્કેલ સમય
મુંબઈ, તા. 24 : શૅરો ખરીદવા માટે કલાયન્ટને નાણાં ઉછીના આપવા સહિતની અન્ય કેટલીક સર્વિસીસો પૂરી પાડતા અને કેટલાક શૅરબ્રોકર્સ માટે સેબીના નવા નિયમોને કારણે મુશ્કેલ સમય આવી રહ્યો છે એમ બ્રોકર્સ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. સેબીના નવા નિયમો મુજબ શૅરબ્રોકર્સે ભંડોળ એકત્ર કરવા બૅન્કો અને એનબીએફસીને કલાયન્ટના શૅરો ગિરવે મૂકી શકશે નહીં.
બજારના નિષ્ણાતો મુજબ બ્રોકર એક કલાયન્ટને ફંડ આપવા બીજા કલાયન્ટની સિક્યોરિટીઝનો દુરુપયોગ ન કરે તે નવા નિયમોનો હેતુ છે, પરંતુ આ ફેરફારથી બ્રોકર્સની કાર્યકારી મૂડી અને તેમના બિઝનેસ પર મોટી અસર થશે, કારણ કે ફંડ માટેની સુવિધા બંધ થશે. બજારના નિષ્ણાત મુજબ કલાયન્ટની પોઝિશન માટે બ્રોકર્સ નાણાંની વ્યવસ્થા કરે તે સુવિધા હવે બંધ થશે. હવે બ્રોકર્સે તેના ખિસ્સામાંથી કલાયન્ટને ફંડ આપવું પડશે અથવા બ્રોકર ક્રેડિટ ફેસિલિટી આપી શકશે નહીં. કલાયન્ટે બૅન્ક અથવા એનબીએફસી જેવા બીજા સ્ત્રોત પાસેથી સીધું ભંડોળ આપવું પડશે.
સેબીની આ નવી માર્ગરેખાનો અમલ પહેલી સપ્ટેમ્બરથી થશે. કલાયન્ટ કોલેટરલ એકાઉન્ટ, કલાયન્ટ માર્જિન ટ્રેડિંગ સિક્યોરિટી એકાઉન્ટ અથવા કલાયન્ટ અનપેઈડ સિક્યોરિટીઝ એકાઉન્ટમાં પડેલા શૅરના મેમ્બર્સ દ્વારા ભંડોળ એકત્ર કરવા બૅન્ક કે એનબીએફસીમાં ગિરવે મૂકી શકાશે નહીં કે ટ્રાન્સફર કરી શકાશે નહીં. આમ ગિરવે માટે કલાયન્ટની સિક્યોરિટીઝમાં ઘટાડો થયો. તેથી લો કોસ્ટ કસ્ટોડિયન જેવી વૈકલ્પિક વ્યવસ્થાની જરૂર પડશે. ખરીદેલા શૅર માટે આંશિક ચુકવણી કરી હોય તેવા કલાયન્ટ માટે અલગ કલાયન્ટ અપપેઈડ સિક્યોરિટી એકાઉન્ટ રાખવા સેબીએ ટ્રેડિંગ મેમ્બરને સૂચના આપી છે. સંપૂર્ણ પેમેન્ટ બાદ જ આ એકાઉન્ટમાં રાખવામાં આવેલા શૅર કલાયન્ટ ડિમેન્ટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા જોઈએ. જો કલાયન્ટ સંપૂર્ણ પેમેન્ટ કરવામાં નિષ્ફળ રહે તો આ શૅરનો સેટલમેન્ટ ડેટના પાંચ દિવસમાં મેમ્બરે બજારમાં નિકાલ કરવાનો રહેશે.
વધુમાં સેબીએ જણાવ્યું છે કે માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી હેઠળ ખરીદવામાં આવેલા શૅરને કલાયન્ટ માર્જિન ટ્રેડિંગ સિક્યોરિટીઝ એકાઉન્ટમાં રાખવા પડશે. કલાયન્ટની સિક્યોરિટીઝની દેખરેખ માટે વ્યવસ્થા તંત્ર ઊભું કરવાની શૅરબજારો અને ક્લિયરિંગ કૉર્પોરેશનને સૂચના આપવામાં આવી છે.
Published on: Tue, 25 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer