જીએસટીમાં નફાખોરી

જીએસટીમાં નફાખોરી
કરઅધિકારીઓ `ગ્રાહક' બનીને કરચોરી પકડશે

નવી દિલ્હી, તા.24 : ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી)માં જે ઘટાડો કરવામાં આવે છે, તેનો લાભ બિઝનેસ દ્વારા ગ્રાહકોને મળે છે કે નહીં તે તપાસ કરવા માટે કર અધિકારીઓ પોતે જ ગ્રાહક બનીને સંબંધિત દુકાન/કંપનીમાં જઈ કથિત છેતરપીંડીને પકડી પાડશે. 
અમૂક દુકાનો અને ક્ષેત્રો જેવા કે રિયલ એસ્ટેટમાં સરકારે નક્કી કર્યું છે કે સેન્ટ્રલ ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (સીજીએસટી) ઍક્ટ અંતર્ગત જીએસટી ઘટાડાનો લાભ સપ્લાયર્સ ગ્રાહકોને નહીં આપતા હોવાના પુરાવા મળે તો તેમની વિરુદ્ધ પગલાં લેવાશે. જે સપ્લાયર્સ ભાવમાં ફેરફાર કરે નહીં અથવા ઈનપુટ્સ અને કાચા માલમાં ચૂકવેલા ક્રેડિટ લાભ ટ્રાન્સફર કરે નહીં તેવા સપ્લાયર્સ વિરુદ્ધ પગલાં લેવાશે. 
સરકારે નફાખોરીને ડામવા માટે આ પગલું લીધું છે, ઉપરાંત કમિશનર્સને 20 સપ્લાયર્સનો ટાર્ગેટ આપવામાં આવશે, જેમાં કમિશનરે ઈનવોઈસ સાથે ટેક્સ સરખાવીને તપાસવાનું રહેશે કે નફાખોરી થઈ છે કે નહીં. કમિશનર્સને સ્પેશિયલ એન્ટિ-પ્રોફિટિંગ સેલ સ્થાપવાની પણ પરવાનગી અપાઈ છે. 
અનિર્ણિત કેસની પતાવટ કરવા માટે નેશનલ એન્ટિ-પ્રોફિટિંગ અૉથોરિટીનો સમયગાળો બે વર્ષ માટે વધારવામાં આવ્યો છે, જેના ભાગરૂપે ઉપરોક્ત પગલાં લેવાયા છે. જોકે, ઉદ્યોગ આ નિર્ણયથી ખુશ નથી. તેમની દલીલ છે કે આ બાબતે કોઈ સ્પષ્ટતા નથી. કેપીએમજી ઈન્ડિયાના પાર્ટનર હરપ્રિત સિંઘે કહ્યું કે, નફાખોરી વિરોધી સ્પષ્ટતા અથવા એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર)ને ઉદ્યોગ આવકારે છે. વ્યવસ્થિત માગદર્શિકાથી નફો ગ્રાહકો સુધી કઈ રીતે પહોંચાડવો તેનું માળખું તૈયાર કરી શકાય છે. જો આ બે મુદ્દા સ્પષ્ટ ન હોય તો જીએસટી વિષયક નિર્ણય ઉદ્યોગની તરફેણમાં કહેવાય નહીં. 
કન્સલટિંગ કંપની પીડબ્લ્યૂસી ઈન્ડિયાના પાર્ટનર અને ઈનડાયરેક્ટ ટેક્સ પ્રેક્ટિસના હૅડ પ્રતિક જૈને કહ્યું કે, નવેમ્બર 2017થી દરમાં ઘટાડો કરવામાં આવતો રહ્યો છે, જે ગ્રાહકોની ફરિયાદોને આધારે થયો છે. જો કર સત્તા ઓડિટ અને આકારણીની પ્રક્રિયામાં ભાગ લેશે તો ઉદ્યોગની ચિંતા કદાચ વધશે. 
સરકારે કેન્દ્ર અને રાજ્ય સરકારોના અધિકારીઓ માટે એસઓપી મૂકી છે, જેમાં દરમાં ફેરફારની તપાસ, મૉક ખરીદી (ખોટા ગ્રાહકો બનીને તપાસ) વગેરેનો સમાવેશ છે. ઉપરાંત કમિશનર્સે એ પણ તપાસવાનું રહેશે કે સુધારિત એમઆરપીનું સ્ટીકર પ્રોડકટ્સ ઉપર લગાડવામાં આવ્યું છે કે નહીં. 
જો ફિલ્ડ અધિકારીને કોઈ પુરાવા મળે તો તે રાજ્ય સ્તરે ફરિયાદ દાખલ કરી શકશે અને રાજ્ય સ્તરની સંચાલન સમિતી એક મહિનાની અંદર પગલાં લેશે. આ કમિટિમાં મોટા ભાગે ગ્રાહકો હશે. હાલના મહિનાઓમાં મલ્ટીનેશનલ સમાવિષ્ટ અમૂક કન્ઝ્યુમર ગુડ્સ કંપની અને રિયલ એસ્ટેટ ડેવલપર્સે જીએસટી ઘટાડાનો ફાયદો ગ્રાહકો સુધી પહોંચાડયો નહીં હોવાનું પ્રકાશમાં આવ્યું છે. 
Published on: Tue, 25 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer