વિરલ આચાર્યના રાજીનામા બાદ

વિરલ આચાર્યના રાજીનામા બાદ
સંજીવ સન્યાલ અને માઈકલ પાત્રાનાં નામ અનુગામી તરીકે ચર્ચામાં 
કૉર્પોરેટ ક્ષેત્રના મિશ્ર પ્રત્યાઘાતો
નવી દિલ્હી, તા.24 : છેલ્લા એક વર્ષથી દેશના નાણાકીય ક્ષેત્રમાં ઘણી ઊથલપાથલ જોવા મળી છે, એવામાં રિઝર્વ બૅન્ક અૉફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ તેમના સૂચિત કાર્યકાળના છ મહિના પહેલાં રાજીનામું આપતાં બજારના નિષ્ણાતોનો મિશ્ર પ્રતિસાદ રહ્યો હતો. 
છેલ્લાં ત્રણ વર્ષમાં આરબીઆઈના ગવર્નર રઘુરામ રાજન અને ઊર્જિત પટેલે અચાનક રાજીનામું આપ્યું છે. તેઓ નાણાકીય નીતિ વિભાગ અને આર્થિક અને નીતિ રિસર્ચ વિભાગના વડા હતા. 
નોમુરાના ચીફ ઈન્ડિયા ઈકોનોમિસ્ટ અને મેનેજિંગ ડિરેક્ટર સોનલ વર્માએ ઓરોદીપ નંદી સાથેના રિપોર્ટમાં લખ્યું છે કે, ડૉ.આચાર્યએ પદ છોડયું તે અચંબાની વાત નથી, કારણ કે તેમના અને સરકાર વચ્ચે ઘર્ષણ થતું રહેતું હતું. ડૉ.આચાર્ય આરબીઆઈની સ્વાયત્તતાના હિમાયતી હોવાથી તેમનો સરકાર સાથે સંઘર્ષ સપાટીએ આવ્યો હતો.
આરબીઆઈના આ પદે નવી વ્યક્તિની શોધ ચાલુ છે, એવામાં નાણાં મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર સંજીવ સન્યાલ અને આરબીઆઈ મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ના સભ્ય ડૉ.માઈકલ પાત્રા સંભવિત ઉમેદવાર હોવાનું કહેવાય છે. 
નોમુરાના વર્મા અને નંદીએ કહ્યું કે, અમારા મતે આવી પરિસ્થિતિમાં નાણાકીય નીતિને હજી અનુકૂળ બનાવવામાં આવશે. નીતિમાં ડૉ.આચાર્ય વધુ આક્રમક મત ધરાવતા હતા. ડૉ.પાત્રાનો મત બધાને ખબર છે, જ્યારે સંજીવ સન્યાલે ભૂતકાળમાં મૂડી ખર્ચ ઘટાડવાની દલીલ કરી છે. આગામી દિવસોમાં અન્ય ઉમેદવારો માટે વિચારણા કરવામાં આવશે. 
કેર રેટિંગ્સના ચીફ ઈકોનોમિસ્ટ મદન સબનવિસે કહ્યું કે, આરબીઆઈને ડૉ.આચાર્યનો વિકલ્પ મળવામાં મુશ્કેલી થશે. ડેપ્યુટી ગવર્નર એન વિશ્વનાથનનો કાર્યકાળ વધારવાથી આરબીઆઈની વર્તમાન પોલિસી અને માળખું જળવાઈ રહેશે. ડૉ.આચાર્યનો વિકલ્પ જલદી શોધવો પડશે કારણ કે એમપીસી સભ્ય તરીકે તેમની મહત્ત્વની ભૂમિકા હતી. 
નોમુરાના એનાલિસ્ટ્સના મતે, આરબીઆઈ અૉગસ્ટની મિટિંગમાં 25 બેસિસ પોઈન્ટ્સ જેટલો રેપો રેટ ઘટાડી શકે છે. પરિણામે વર્ષ 2019માં 100 બેસિસ પોઈન્ટ્સ (1 ટકા) દર ઘટાડો થશે. ફુગાવો પણ ચાર ટકાના લક્ષ્ય કરતાં નીચો રહેશે તેવી ધારણા છે.
નોમુરાએ કહ્યું કે, વૈશ્વિક મંદી અને બૅન્કિંગ કટોકટીનાં વાદળાંને લીધે વ્યાજદરમાં વધુ ઘટાડો કરવામાં આવી શકે છે. આરબીઆઈની આજની ઘટનાથી ઈક્વિટી બજાર ઉપર ખાસ અસર પડી નથી. શૅરબજાર અન્ય પરિબળો જેવાં કે જુલાઈમાં બજેટ, આગામી ચોમાસું અને આર્થિક આંકડા ઉપરાંત વૈશ્વિક પરિબળોના સંકેતોની રાહ જોઈ રહ્યું છે.
એવેન્ડસ કૅપિટલ પબ્લિક માર્કેટ્સ અલ્ટરનેટ સ્ટ્રેટેજીસના કો-ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વૈભવ સંઘવીએ કહ્યું કે, આર્થિક આંકડા અને વૈશ્વિક સંકેતો બજારનો આગામી રૂખ નક્કી કરશે. આગળ જતાં લિક્વિડિટી સંબંધિત મુદ્દાઓનો ઉકેલ આવી શકે છે, ખાસ કરીને લોકસભાની ચૂંટણીનાં પરિણામો પછી બજારમાં સકારાત્મકતા છે. અમારા મતે આરબીઆઈ અૉગસ્ટની મિટિંગમાં વ્યાજદરમાં 25 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરશે અને બજાર અત્યારથી આ માની રહ્યું છે.
Published on: Tue, 25 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer