ફડણવીસ અને ઉદ્ધવે પોતપોતાના નેતાઓને આપી કડક સૂચના

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદ વિશે નહીં બોલવાનું

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : વિધાનસભાની ચૂંટણી પછી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અંગે ભાજપના વરિષ્ઠ નેતાઓ ગિરીશ મહાજન અને સુધીર મુનગંટ્ટીવારે કરેલાં વિધાનોને કારણે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ પોતાના પક્ષના પ્રધાનો અને વિધાનગૃહોના સભ્યોને પ્રસાર માધ્યમો સાથે આ મુદ્દે વાત નહીં કરવાની સૂચના આપી છે.
મુખ્ય પ્રધાન ફડણવીસ અને શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ વિધાન ભવનમાં પક્ષનાં વિધાનગૃહોની સંયુક્ત બેઠક યોજી હતી. આ બન્ને નેતાઓએ જણાવ્યું હતું કે યુતિ અંગે અમારું એટલે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્ય પ્રધાન ફડણવીસ અને શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે વચ્ચે ચર્ચા કરીને નિર્ણય લેવાઈ ચૂક્યો છે. તેથી કોઈએ યુતિ વિશે બીજા શું બોલે છે તેના ઉપર ધ્યાન આપવું નહીં. આ વિશે પ્રસાર માધ્યમો સાથે વાત કરવી નહીં એમ બન્ને નેતાઓએ ઉમેર્યું હતું.
ઉદ્ધવ ઠાકરે વિધાન ભવનમાં પહોંચ્યા ત્યારે ફક્ત શિવસેના જ નહીં, પણ ભાજપના પ્રધાનો અને વિધાનગૃહોના સભ્યોએ તેમનું સ્વાગત કર્યું હતું. વધુમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે પણ ઉદ્ધવનું સ્વાગત કરતા આશ્ચર્ય સર્જાયું હતું.
ઉદ્ધવ ઠાકરે બાદમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ વિજય ઔટીની ચેમ્બરમાં ગયા હતા. ત્યાં તેઓ વિધાનગૃહોના સભ્યો સાથે બેઠા હતા. ત્યારે મુખ્ય પ્રધાન ફડણવીસ તેમને પોતાની અૉફિસમાં લઈ ગયા હતા.
રાજકીય સમીક્ષકો માને છે કે વિધાનસભાની આગામી ચૂંટણીમાં બન્ને પક્ષના નેતાઓ અને કાર્યકરો સુમેળથી કામ કરે તેમ જ મુખ્ય પ્રધાન કયા પક્ષનો હશે તેની ચર્ચા કર્યા વિના સઘન પ્રચારઝુંબેશ ચલાવે એ હેતુથી આ બેઠક યોજવામાં આવી હતી.
શિવસેના અને ભાજપનાં વિધાનગૃહોના સભ્યોની બેઠકમાં કૉંગ્રેસના વડાલાના વિધાનસભ્ય કાલિદાસ કોળંબકર હાજર હતા.
આ બેઠક વિશે પૂછવામાં આવતા મહારાષ્ટ્રના નાણાપ્રધાન સુધીર મુનગંટ્ટીવારે જણાવ્યું હતું કે બન્ને નેતાઓએ વિધાનગૃહોના સભ્યોને વર્તમાન ચોમાસું અધિવેશનનો મહત્તમ સમય જનહિતનાં કામોમાં ઉપયોગ કરવામાં આવે. વિધાનસભાની આગામી ચૂંટણીની તૈયારી વિશે બન્ને નેતાઓએ માર્ગદર્શન આપ્યું હતું એવા પ્રશ્નનો ઉત્તર મુનગંટ્ટીવારે નકારમાં આપ્યો હતો.
એક પ્રશ્નના ઉત્તરમાં મુનગંટ્ટીવારે જણાવ્યું હતું કે માત્ર ફડણવીસ અને ઠાકરે અથવા બન્ને નેતાઓ દ્વારા નિયુક્ત પ્રવક્તા જ ભાજપ-શિવસેના યુતિ વિશે બોલશે. અમે વિધાનસભાની ચૂંટણીની તૈયારી સાથે કરી રહ્યા છીએ. અમારું લક્ષ્ય 220 કરતાં વધારે બેઠકો ઉપર વિજય હાંસલ કરવાનું છે.
Published on: Tue, 25 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer