આર્મી કર્નલની દાદાગીરી

40 જવાનો સાથે વિવાદાસ્પદ ખેતર પરના પાકને ખેદાનમેદાન કરી નાખ્યો

ગામમાં ધાક જમાવવા સૈનિકોની પરેડ પણ કાઢી

અમારા પ્રતિનિધિ તરફથી
પુણે, તા. 24 (પીટીઆઇ) : લશ્કરના સશસ્ત્ર જવાનોની મદદથી પુણે જિલ્લામાં પોતાના ગામે એક વિવાદગ્રસ્ત જમીનના પાકને ખેદાન-મેદાન કરી નાખવાનો પોલીસ કેસ લશ્કરના એક કર્નલ વિરુદ્ધ નોંધાયો હોવાનું પોલીસે આજે જણાવ્યું હતું. કર્નલે ગામમાં ધાક જમાવવા જવાનોની પરેડ પણ કરાવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. 
પોલીસે જણાવ્યા પ્રમાણે પુણે જિલ્લાના ખેડ તાલુકાના ગુલાની ગામે લશ્કરના આ અધિકારી કેટલાક સશસ્ત્ર જવાનો સાથે પહોંચ્યા હતા અને વિવાદાસ્પદ ખેતરમાં ઊભા પાકને ખેદાન-મેદાન કરી નાખ્યો હતો, એમ ફરિયાદ કરનારી મહિલાએ જણાવ્યું હતું. પોલીસે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે કર્નલના ભાઇ અને ફરિયાદી મહિલાના સંબંધી સુનીલ ભારને વચ્ચે ગુલાની ગામની આ જમીન સંબંધી વિવાદ ચાલે છે અને આ કેસ ખેડના ઉપ-વિભાગીય મેજિસ્ટ્રેટ સમક્ષ ચાલે છે. આ જમીનના 7/12ના ઉતારામાં ભારનેનું નામ છે અને તેણે જમીનમાં સોયાબીનનું વાવેતર કર્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે ફરિયાદમાં કહેવાયું છે કે હાલમાં હૈદરાબાદમાં ફરજ બજાવી રહેલા કર્નલ બાવીસ જૂને ચાર ટ્રકમાં સવાર લશ્કરના ગણવેશ પહેરેલા 30થી 40 સશસ્ત્ર જવાનોને સાથે લઇને આ વિવાદિત જમીન પર આવ્યા હતા અને ટ્રેક્ટરની મદદથી ત્યાં કામ કરી રહેલા લોકોની હાજરીમાં જ ઊભા પાકને ખેદાન-મેદાન કરી નાખ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ફરિયાદ પ્રમાણે કર્નલ હૈદરાબાદમાં ફરજરત હોય તો આ જવાનોને નાશિકથી સાથે લાવ્યા હોઇ શકે છે. બાદમાં ગામમાં ધાક જમાવવા કર્નલે જવાનોની માર્ચ પણ કરાવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
Published on: Tue, 25 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer