કેદારનાથમાં 2013ની તબાહીનું પુનરાવર્તન થવાની ભીતિ

મંદિરથી પાંચ કિલોમીટર ઉપર બન્યું ફરી એક સરોવર : પ્રશાસન - વૈજ્ઞાનિકો ચિંતિત

નવી દિલ્હી, તા. 24: ઉત્તરાખંડમાં 2013માં પૂરના પ્રકોપે કેદારઘાટીમાં વિનાશ વેર્યો હતો. ત્યારબાદ સરકાર અને સામાન્ય લોકોએ આગળ વધીને કેદારઘાટીને ફરી જીવંત તો કરી પણ હવે 6 વર્ષ બાદ ફરી એક વખત કેદારનાથ ઉપર સંકટનાં વાદળ છવાઈ રહ્યાં છે. હકીકતમાં 2013માં કેદારનાથમાં વિનાશનું મુખ્ય કારણ બનેલું ચોરાબાડી સરોવર બીજી વખત પુનર્જીવિત થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વાડિયા ઇન્સ્ટિટયુટના વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે સરોવર ફરી વિકસિત થયું હોવાની જાણકારી બાદ એક ટીમ સ્થળ ઉપર તપાસ કરવા માટે રવાના થઈ ચૂકી છે. 
વાડિયા ઇન્સ્ટિટયુટના કહેવા પ્રમાણે જે સરોવર બન્યું છે તે ચોરાબાડી નથી. જે સરોવર બનવાના અહેવાલ મળ્યા છે તે કેદારનાથ મંદિરથી પાંચ કિલોમીટર ઉપર છે. જ્યારે પૂર પ્રકોપ સર્જાયો હતો તે સરોવર બે કિલોમીટર ઉપર હતું. ભૂસ્તરશાસ્ત્રી ડો. ડી.પી.ડોભાલના કહેવા પ્રમાણે રૂદ્રપ્રયાગ જિલ્લા પ્રશાસને આપેલી જાણકારી બાદ અમુક લોકો કેદારનાથથી 5 કિલોમીટર ગયા હતા. જ્યાં બરફ વચ્ચે એક સરોવર બન્યાની જાણ કરવામાં આવી હતી. ટીમના કહેવા પ્રમાણે વર્તમાન સમયમાં સરોવર 250 મિટર લાંબું અને 150 મિટર પહોળું થઈ ચુક્યું છે. જેનું કારણ વરસાદ, બરફ ઓગળવો અને હિમસ્ખલન બતાવવામાં આવે છે. જો કે આ સરોવર ચોરાબાડી સરોવર નથી. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે સરોવર 5 કિલોમીટર હોય કે 2 કિલોમીટર ઉપર હોય જોખમ 2013માં હતું તેટલું જ રહે છે.  
ચોરાબાડી સરોવર કે જેને ગાંધી સરોવર પણ કહેવામાં આવે છે તે 2013માં થયેલી તબાહીનું સૌથી મોટું કારણ હતું. જો કે આફત બાદ સરોવર ગાયબ થઈ ગયું હતું. 2013ની ઘટનામાં સરોવરની ભૂમિકા અને અભ્યાસ કરનારા વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે, સરોવરને ફરી પુનર્જીવિત કરી શકાય નહીં. અમુક વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે, બરફ ઓગળવાથી અલગ અલગ જગ્યાએ નાના નાના સરોવર બને છે. આ જ કારણથી ચાલુ વર્ષે સૌથી વધુ પાણી જમા થવાના આસાર છે, કારણ કે આ વખતે વધુ વરસાદ અને બરફ પડયો છે. 
Published on: Tue, 25 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer