મુંબઈનાં 80 ટ્રાફિક સિગ્નલોએ ટૉઇલેટ્સ સહિતની

સુવિધાવાળી મલ્ટિ યુટિલિટી વૅન્સની પાલિકાની યોજના

મુંબઈ, તા. 24 : ઘર અને અૉફિસ કે વ્યવસાયના સ્થળે આવ-જા કરતા મુંબઈગરાઓ માટે પાલિકા શહેરના મહત્ત્વનાં ટ્રાફિક સિગ્નલોએ ટૉઇલેટ્સ સહિતની મોબાઇલ રિલીફ ફેસિલિટી વૅન્સની વ્યવસ્થા કરવાની યોજનામાં છે. જોકે, હજુ પાલિકાની ઉચ્ચ અધિકારીઓએ આ પ્રસ્તાવ મંજૂર નથી કર્યો, પરંતુ પાલિકા પ્રાયોગિક ધોરણે શહેરના 80 ટ્રાફિક સિગ્નલોએ આવી વૅન્સ માટે વિચારી રહી છે. 
આ ઍર કન્ડિશન્ડ વૅનમાં પુરુષ, મહિલા, દિવ્યાંગ જેવા વિભાગો ઉપરાંત બાળકને માતા દૂધ પીવડાવી શકે, લોકો કપડાં બદલાવી શકે, પીવાનું પાણી, મોબાઇલ ચાર્જિંગ પૉઇન્ટ્સ સહિતની સુવિધા હશે. શહેરનાં 80 જેટલાં મહત્ત્વનાં ટ્રાફિક સિગ્નલોએ આવી મોબાઇલ રિલીફ ફેસિલિટી વૅન્સની વ્યવસ્થા માટે એક એજન્સીની નિમણૂક કરવાની હોવાથી પાલિકા એક્સ્પ્રેશન અૉફ ઇન્ટરેસ્ટ મગાવવાની તૈયારી કરી રહી છે. એક સિગ્નલે પુરુષ માટેની વૅન તો ત્યાર બાદના બીજા સિગ્નલે મહિલાઓ માટે અને આવા ચાર સિગ્નલો બાદ પ્રત્યેક પાંચમા સિગ્નલે બાળકો તેમ જ દિવ્યાંગો માટે વૅન મૂકવાની પણ વિચારણા છે.  
પાલિકાના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે લાખો મુંબઈગરાઓ દિવસભર પોતાનાં કામેકાજે ઘરથી દૂર રહે છે અને રસ્તામાં તેમને આવી સગવડો મળે એ ઇચ્છનીય છે, ખાસ તો શહેરમાં સાર્વજનિક ટોઇલેટ્સની વધુ જરૂર છે. પાલિકાના અંદાજ પ્રમાણે શહેરમાં વધુ 80,000 ટૉઇલેટ્સ હોવા જોઇએ. 
સોલિડ વેસ્ટ મૅનેજમેન્ટના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે અમારી યોજના પ્રમાણે રિલીફ ફેસિલિટી વેન્સમાં ટૉઇલેટ્સ ઉપરાંત અન્ય સગવડો પણ હશે. મહિલા, પુરુષ અને દિવ્યાંગો માટે અલગ વિભાગો ઉપરાંત નાનાં બાળકને માતા દૂધ પીવડાવી શકે, કપડાં બદલી શકાય, મોબાઇલ ચાર્જિંગ થઇ શકે એ સહિતની કેટલીક વ્યવસ્થા પણ આ વૅનમાં હશે. આવી ખાસ વૅન્સ પૂરી પાડી શકે એ માટે પાલિકા એક એજન્સીની નિમણૂક કરશે. શહેરમાં અૉફિસો અને માર્કેટો ધરાવતા વ્યવસાયી વિસ્તારોમાં દિવસભર લાખો લોકોની અવર-જવર થાય છે, પરંતુ તેમના માટે ટૉઇલેટ્સ જેવી સાદી સુવિધા પણ થોડા અંતરે હોય છે. આવા વિસ્તારોમાં રિલીફ ફેસિલિટી વૅન્સ હોય તો લોકોને અને રહેવાસીઓને પણ રાહત મળશે.
Published on: Tue, 25 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer