ગુજરાતમાં રાજ્યસભાની પેટાચૂંટણી

એસ. જયશંકર, જુગલ ઠાકોર ભાજપના ઉમેદવાર

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.24: ગુજરાતમાં યોજાનારી રાજ્યસભાની પેટાચૂંટણીને લઇને ભાજપના ઉમેદવાર એસ.જયશંકર અમદાવાદ આવી પહોચ્યા છે. ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો પૈકી એક બેઠક પર ઉમેદવાર તરીકે કેન્દ્રિય વિદેશપ્રધાન એસ.જયશંકરનું નામ નક્કી થયું છે , જ્યારે બીજી બેઠક માટેના ઉમેદવાર તરીકે મહેસાણાના ઠાકોર સમાજના  નેતા જુગલ ઠાકોર પર પસંદગીનો કળશ ઢોળાયો છે. આ બન્ને ઉમેદવારો આવતીકાલે વિજય મુહુર્તમાં રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રક ભરશે. મહત્વનું છે કે, એસ.જયશંકર પૂર્વ વિદેશ સચિવ રહી ચૂક્યા છે અને મોદી સરકારની પ્રથમ ટર્મમાં વિદેશ નીતિને આકાર આપવામાં તેમની  મહત્વની ભૂમિકા રહી છે.  જ્યારે જુગલ ઠાકોર ભાજપના પાયાના કાર્યકર છે અને હાલમાં તેઓ કોળી વિકાસ બોર્ડના ડિરેકટર છે.  જુલ ઠાકોર ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી તેમજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસસંઘના તેઓ પ્રદેશ અધ્યક્ષ પણ છે. તેઓ ગુજરાત રાજ્ય નાગરિક પુરવટા નિગમ લિમિટેડના પૂર્વ ડિરેકટર પણ રહી ચૂક્યા છે. જુગલ ઠાકોરે લોકસભાની ચૂંટણીમાં મહેસાણા અથવા પાટણ બેઠક પરથી  ટિકિટની માગણી કરી હતી પરંતુ તેમને ટિકિટ મળી નહોતી. 
રાજ્યસભાની ચૂંટણીનું મતદાન 5 જુલાઇના રોજ થનાર છે. આ અગાઉ એટલે કે આજરોજ વિદેશપ્રધાન એસ.જયશંકર ભાજપાના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાની હાજરીમાં ઔપચારિક  રીતે પાર્ટીમાં સામેલ થઇ ગયા હતા. 
Published on: Tue, 25 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer