સોનાની લાલચ આપી લાખોની છેતરપિંડી

આંતરરાજ્ય ટોળકીના અગિયારને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા
 
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 24 : ગત ફેબ્રુઆરી માસમાં ઈન્ડિયા માર્ટ વેબસાઈટ પર સોનાના અૉનલાઈન ટ્રેનિંગમાં સસ્તા ભાવે સોનું વેચવાની લાલચ આપી કર્ણાટકના ગ્રાહકને સુરત બોલાવી રૂા. 27 લાખની છેતરપિંડીની ફરિયાદ સુરતથી થઈ હતી. આ ફરિયાદની તપાસમાં આજે સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે સસ્તા ભાવે સોનું વેચવાની લાલચ આપી લાખોની છેતરપિંડી કરનાર આંતરરાજ્ય ગૅંગનો પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે અગિયાર આરોપીની ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યાનુસાર આ ગૅંગના સભ્યોનું કચ્છ કનેકશન હોવાની 
સંભાવના છે. 
કર્ણાટકના મૌલી વેંકટાસત્યનારાયણ કોટેશ્વરરાવ ધર્મારાવે ગત 12મી ફેબ્રુઆરીએ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં તેમની સાથે રૂા. 27 લાખની સોનાની લાલચ આપીને છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ કરી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચને ગુનાની તપાસ સોંપવામાં આવી હતી. ડીસીબીના પોલીસ ઈન્સ્પેક્ટર એ.કે. ચૌહાણના નેતૃત્વ હેઠળ બાતમીના આધારે જુદી-જુદી ટીમો બનાવીને ક્રાઈમ બ્રાન્ચે શહેરના પીપલોદ નજીકના રાહુલરાજ મૉલ પાસેથી અગિયાર આરોપીને ઝડપી પાડયા છે. આરોપી કેવલચંદ ઉર્ફે અશોક ડાલચંદ જૈન (ઉ.54) મૂળ ગાણેરાવ રાજસ્થાનનો છે જે હાલ આણંદ રહે છે. મૂળ ઉત્તર પ્રદેશનો હાલ નડિયાદ રહેતો સલીમ અબ્દુલ રહેમાન અન્સારી, આણંદનો અન્ય એક આરોપી નઝિર હુસેનભાઈ મલેક ઉપરાંત કર્ણાટકનો મોહમદ ઈમરાન ખાજાસાહેબ ઈન્ડિકર, મુંબઈના ડોંબિવલીનો રાજનારાયણ દુલારે ધરકાર, મૂળ બૈરાઈચ-ઉત્તર પ્રદેશનો સમી અહેમદ સઈદ અહેમદ સિદીકી, શૌકતઅલી હાજીમોહમદ શેખ, અનિલ ઉર્ફે વિક્કી સોહનલાલ ગુપ્તા, મોહમદ નફીસ ઉર્ફે જાવેદ ખાન, મૂળ ભાવનગરના હાલ સુરતના અમરોલી ખાતે રહેતા પરેશભાઈ ડોબરિયા અને સુરતના રામપુરા ખાતે રહેતા સરહુદીન અબ્દુલ હમીદખાન ઉર્ફે ખાનભાઈની ડીસીબી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. 
Published on: Tue, 25 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer