અલ્પેશ ઠાકોરની મુશ્કેલી વધી

કૉંગ્રેસની અરજી બાદ ગુજરાત હાઇ કોર્ટે ફટકારી નોટિસ
 
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.24: કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હોવા છતાં ધારાસભ્યપદે ચાલુ રહેલા અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં વધારો થયો છે. અલ્પેશ ઠાકોરને ગેરલાયક ઠેરવવાની  માગણી સાથે કૉંગ્રેસ પાર્ટીએ કરેલી અરજી ગુજરાત હાઇ કોર્ટે સ્વીકારી લીધી છે. આ મામલે હાઇ કોર્ટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને અર્જન્ટ નોટિસ પાઠવી છે. આ અંગેની વધુ સુનાવણી 27મી જૂનના રોજ હાથ ધરવામાં આવશે. 
કૉંગ્રેસે ધારાસભ્ય પદ રદ કરવા માટે અધ્યક્ષને અરજી કરી હોવા અંગે અલ્પેશ ઠાકોરે જણાવ્યુ ંહતું કે, ચૂંટણી વખતે કૉંગ્રેસને મારા સમાજના મત જોઇતા હતા એટલે ત્યારે મારી સામે કોઇ કાર્યવાહી ન કરી. કૉંગ્રેસ રાજકીય નફા-નુકસાનની ગણતરી કરી રહી છે. મેં વ્હિપનો અનાદર નથી કર્યો. મારું ધારાસભ્યપદ લેવા માટે કૉંગ્રેસ હવાતિયાં મારે છે. મજબૂત માણસને હેરાન કરીને કૉંગ્રેસમાંથી કાઢવામાં આવી રહ્યા છે. નબળા લોકો મજબૂત અને પ્રજાના પ્રતિનિધિઓને સહન નથી કરી શકતા. આવા નબળા લોકો બંધ બારણે સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરે છે અને મારા જેવા લોકોને ષડ્યંત્ર કરીને પક્ષ છોડવા મજબૂર કરે છે.
અલ્પેશ ઠાકોરની ભાજપના નેતાઓ સાથે સમયાંતરે મુલાકાત વધી રહી છે ત્યારે ઠાકોર સેનાના આગેવાનો સાથે આગામી તા.29-30 જૂને બેઠક કરીને ભાજપમાં જોડાવવા અંગે નિર્ણય લઇ શકે છે. જોકે ઠાકોર સેના તેને સંગઠન મજબૂત કરવાની બેઠક ગણાવી રહ્યું છે. રાજ્યસભાની પેટા ચૂંટણીને બજેટ સત્ર પછી કોઇ મોટો નિર્ણય લેવાય તેવાં એંધાણ વર્તાય છે. રાજકીય વર્તુળોમાં થતી ચર્ચા મુજબ, અલ્પેશ ઠાકોરને રૂપાણી સરકારમાં કૅબિનેટ પ્રધાનનું પદ મળી શકે છે અને તે માટેની ગોઠવણ ચાલી રહી છે. લોકસભાની ચૂંટણી સમયે આપેલું વચન આગામી દિવસોમાં પૂર્ણ થશે. ભાજપમાં જોડાયા બાદ અલ્પેશ ઠાકોર રાધનપુરથી જ ચૂંટણી લડશે અને તે માટે તેણે તમામ તૈયારીઓ પણ કરી લીધી છે, એમ પણ સૂત્રોએ જણાવ્યું હતું. 
Published on: Tue, 25 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer