રાવલપિંડી હોસ્પિટલ બ્લાસ્ટમાં મસૂદને ઇજા !

ટ્વિટર ચર્ચામાં વિસ્ફોટની ઘટના: આગ કે વિસ્ફોટના બનાવને સત્તાવાર પુષ્ટિ ન મળી

રાવલપિંડી, તા. 24: પાકિસ્તાનમાં રાવલપિંડીમાં આવેલી મિલટરી હોસ્પિટલમાં વિસ્ફોટના અહેવાલો સામે આવ્યા બાદ અમુક ટ્વિટર યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે બ્લાસ્ટમાં જૈશ એ મોહમ્મદનો સરગના મસૂદ અઝહર પણ ઘાયલ થયો છે. સોશિયલ મીડિયા ઉપર એવા અહેવાલ ચાલી રહ્યા છે કે મસૂદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. જો કે આ મામલે હોસ્પિટલ કે અન્ય કોઈ સત્તાવર પુષ્ટિ કરવામાં આવી નથી. 
ટ્વિટર ઉપર અસાન ઉલ્લા મિખાઈલ નામના એક યુઝરે વીડિયો શેર કરીને દાવો કર્યો હતો કે મિલિટરી હોસ્પિટલમાં મસૂદ અઝહરને ઈજા પહોંચી છે. જ્યારે અન્ય એક યુઝરે દાવો કર્યો હતો કે મસૂદ સંબંધિત મામલો હોવાથી પાકિસ્તાની મીડિયાને બ્લાસ્ટનું કવરેજ કરતા રોકવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા ઉપર હોસ્પિટલમાંથી ધુમાડો બહાર આવતો જોવા મળી રહ્યો છે. જો કે હોસ્પિટલ તરફથી આગ કે વિસ્ફોટ સંબંધિત કોઈપણ અહેવાલની પુષ્ટિ કરવામાં આવી નથી. ટ્વિટર ઉપર પણ અમુક લોકોનો અલગ મત છે અને બોયલર ફાટવા કે અન્ય કોઈ કારણથી આગ લાગી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
Published on: Tue, 25 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer