મોદીનાં ભાષણ મામલે અસહમતી નોટ જાહેર કરવાનો ચૂંટણી પંચનો ઈનકાર

ક્લીન ચીટના વિરોધમાં લવાસાની અસહમતી નોટની આરટીઆઈ હેઠળ માગ થઈ હતી 

નવી દિલ્હી, તા. 24: ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ભાષણમાં આદર્શ આચારસંહિતા ભંગના કથિત ઉલ્લંઘનના મામલામાં પોતાના કમિશનરની અસહમતી નોટને સાર્વજનિક કરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. આરટીઆઈ હેઠળ અસહમતી નોટની જાણકારી આપવાની માગણી કરવામાં આવી હતી. ચૂંટણી પંચે કહ્યું હતું કે, અસહમતી અંગેની વિગતો આપવાથી કોઈપણ વ્યક્તિનો જીવ કે શારીરિક સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે.
આચાર સંહિતા ઉલ્લંઘનના આરોપોમાં ચૂંટણી કમિશનર અશોક લવાસાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપવા ઉપર અસહમતી વ્યક્ત કરી હતી. ત્રણ સભ્યોના પૂર્ણ પંચમાં મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોડા અને બે અન્ય કમિશનર અશોક લવાસા અને સુશીલ ચંદ્ર સામેલ છે. પૂણેના આરટીઆઈ કાર્યકર્તા વિરાહ ધુર્વેએ લવાસાની અસહમતી નોટની માગણી કરી હતી. જેનો ચૂંટણી પંચ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો. આ મામલો પીએમ મોદીની 1 એપ્રિલના વર્ધા, 21 એપ્રિલના પાટણ અને બાડમેર તેમજ 25 એપ્રિલના વારાણસીમાં થયેલી રેલીમાં અપાયેલા ભાષણ સંબંધિત હતો. ચૂંટણી પંચે આરટીઆઈ એક્ટના સેક્શન 8 (1)(જી)નો હવાલો આપતા કહ્યું હતું કે, આવી સૂચનાઓને સાર્વજનિક કરી શકાય નહીં. તેનાથી કોઈ વ્યક્તિના જીવને કે શારીરિક સુરક્ષાને જોખમ રહે છે. 
Published on: Tue, 25 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer