બીએસએનએલ પાસે હવે પગાર ચૂકવવાનાં રૂપિયા પણ નથી

સરકારને મદદની પોકાર: જો તત્કાળ હસ્તક્ષેપ નહીં થાય તો કંપનીનો વહીવટ ખોરવાઈ જશે

નવીદિલ્હી, તા.24: સરકારી દૂરસંચાર કંપની બીએસએનએલ દ્વારા સરકાર સામે મદદની ગુહાર લગાડવામાં આવી છે. બીએસએનએલ ગંભીર નાણાકીય સંકટમાં ઘેરાઈ ગઈ છે અને હવે તેને પોતાના રોજીંદા કામો ચલાવવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કંપનીનાં કહેવા અનુસાર રોકડની તંગીનાં કારણે જૂન માસનું આશરે 8પ0 કરોડ રૂપિયાનું વેતન ચૂકવવા માટે પણ તે અસમર્થ બની ગઈ છે. 
કંપની ઉપર હાલ 13 હજાર કરોડ રૂપિયા જેટલો આર્થિક બોજ છે અને આનાં હિસાબે તેનો કારોબાર ડામાડોળ બની ગયો છે. બીએસએનએલનાં કોર્પોરેટ બજેટ એન્ડ બેન્કિંગ ડિવિઝનનાં વરિષ્ઠ મેનેજર પૂરન ચંદ્રનાં જણાવ્યા અનુસાર ટેલિકોમ મંત્રાલયમાં સંયુક્ત સચિવને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, દર માસે આવક અને ખર્ચનાં તફાવતનાં કારણે કંપનીનું સંચાલન પણ હવે ચિંતાની બાબત બની ગયું છે કારણ કે સ્થિતિ હવે એવા સ્તરે પહોંચી ગઈ છે કે જો હવે પૂરતા પ્રમાણમાં મૂડીકરણ નહીં થાય તો કંપનીનું સંચાલન લગભગ અશક્ય બની જશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ પણ થોડા માસ પૂર્વે બીએસએનએલની કફોડી હાલતની ચકાસણી કરી ચૂક્યા છે. આ દરમિયાન કંપનીનાં ચેરમેને વડાપ્રધાન સમક્ષ સ્થિતિનો ચિતાર પણ રજૂ કર્યો હતો. ગત સપ્તાહે પણ આ સાર્વજનિક ક્ષેત્રની કંપનીએ સરકારને કંપનીનાં ભાગ્યનો ફેંસલો કરવા અને સલાહ-સૂચન માટે પત્ર લખ્યો હતો. 
અત્રે નોંધપાત્ર છે કે બીએસએનએલ સૌથી મોટી ખોટ કરનારું સાર્વજનિક સાહસ છે. ડિસેમ્બર 2018નાં આખર સુધીમાં કંપનીની ખોટ 90 હજાર કરોડથી  વધુ હોવાનો અંદાજ તાજેતરમાં જ સામે આવ્યો હતો. 
Published on: Tue, 25 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer