મુખ્ય પ્રધાનનો `વર્ષા'' બંગલો પાલિકાની ડિફોલ્ટરની યાદીમાં

સાડા સાત લાખ રૂપિયાનું પાણીનું બિલ બાકી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું સત્તાવાર નિવાસસ્થાન `વર્ષા'નું 7,44,981 રૂપિયા પાણીનું બિલ બાકી હોવાની માહિતી અધિકાર અંર્તગત મળેલી માહિતીમાં જાણવા મળ્યું છે. મુખ્ય પ્રધાનની સાથે રાજ્યના નવ પ્રધાન સહિત જ્ઞાનેશ્વરી અને સહ્યાદ્રી અતિથિગૃહનું બિલ પણ બાકી હોવાનું જાણવા મળ્યું છે. સર્વસામાન્ય મુંબઈગરા જો બિલ ન ભરે તો જોડાણ કાપી નાખવામાં આવે છે અને કડક કાર્યવાહી કરવામાં આવે છે, પણ મુખ્ય પ્રધાન અને અન્ય પ્રધાનોને આટલી છૂટ શા માટે આપવામાં આવી છે તેવો પ્રશ્ન ઊભો થયો છે. 
માહિતી અધિકાર કાર્યકતા શકીલ અહમદ શેખે મુંબઈ મહાનગર પાલિકા પાસેથી માહિતી અધિકાર અંતર્ગત મગાવેલી માહિતીમાં આ વિગતો મળી હતી, સાત લાખ રૂપિયા કરતાં વધુ પાણીનું બિલ બાકી હોવાથી પાલિકાએ મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન `વર્ષા'નો ડિફોલ્ટર યાદીમાં સમાવેશ કર્યો છે. અતિથિગૃહ જ્ઞાનેશ્વરી નિવાસસ્થાનનું  59,778 રૂપિયા અને સહ્યાદ્રી અતિથિગૃહનું 12,04,390 રૂપિયા બિલ પણ બાકી છે.
સરકાર શું કહે છે?
મુખ્ય પ્રધાન અને પ્રધાનોના બંગલાના પાણીનાં બાકી બિલો વિશે જાહેર બાંધકામ વિભાગે ખુલાસો કરતાં કહ્યું હતું કે મુખ્ય પ્રધાન અને 18 પ્રધાનોના પાણીનાં બિલો નવેમ્બર 2018માં જ ભરાઈ ગયાં હતાં, પણ નવેમ્બર 2018 અને મે 2019નાં બિલોમાં ભારે તફાવત જોવામાં આવ્યો હતો. આ તફાવતનો નિવેડો આવી જશે એ બાદ બિલ ક્લિઅર કરવામાં આવશે.
બિલ બાકી હોય તેવા પ્રધાનોની યાદી
પ્રધાન                                                      નિવાસસ્થાન    બિલ બાકી
દેવેન્દ્ર ફડણવીસ-મુખ્ય પ્રધાન                      વર્ષા               7,44,981
સુધીર મુનગંટ્ટીવાર-નાણાપ્રધાન                   દેવગિરિ          1,45,055
વિનોદ તાવડે-ઉચ્ચ અને તંત્ર શિક્ષણ પ્રધાન   સેવાસદન       1,61,719
પંકજા મુંડે-મહિલા અને બાલવિકાસ પ્રધાન     રૉયલસ્ટૉન      35,033
દિવાકર રાવતે-પરિવહન પ્રધાન                    મેઘદૂત           1,05,484
સુભાષ દેસાઈ-ઉદ્યોગ પ્રધાન                          પુરાતન           2,49,243
એકનાથ શિંદે-સાર્વજનિક બાંધકામ વિભાગ      નંદનવન         2,28,424
ચંદ્રશેખર બાવનકુળે-ઊર્જા પ્રધાન                   જેતવન           6,14,854
મહાદેવ જાનકર-પશુસંવર્ધન પ્રધાન                મુક્તાગિરિ       1,73,497
Published on: Tue, 25 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer