ડૉ. પાયલ તડવી આત્મહત્યા કેસ

ડૉ. પાયલ તડવી આત્મહત્યા કેસ
ત્રણેય મહિલા ડૉક્ટરને જામીન ન મળતાં કોર્ટરૂમમાં ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 :  નાયર હોસ્પિટલમાં જુનિયર ડૉ. પાયલ તડવીએ કરેલી આત્મહત્યાના કેસમાંની ત્રણ આરોપી મહિલા ડોક્ટરોને જામીન આપવાનો વિશેષ અદાલતે સોમવારે ઈનકાર કર્યો હતો. આ ત્રણ આરોપી ડોક્ટર હેમા આહુજા, ભક્તિ મેહર અને અંકિતા ખંડેલવાલ 29 મેથી જેલમાં છે. જજે જામીન અરજી ઠુકરાવી દેતાં ત્રણેય આરોપીએ કોર્ટમાં ધ્રુસકે ધ્રુસકે રોવાનું શરૂ કરી દીધું હતું. ડૉ. પાયલ તડવીએ 22 મેના નાયર હોસ્પિટલમાં પોતાની હોસ્ટેલ રૂમમાં ગળે ફાંસો ખાધો હતો.
આરોપીઓના વકીલ આબાદ પોન્ડાએ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે ડૉ. તડવી એનું કામ સરખું કરતી ન હોવાથી મારા અસીલો તેને ઠપકો આપતાં હતાં અને આ ઠપકાને સુસાઈડ માટે તેને પ્રેરિત કર્યાનું ન કહેવાય. જોકે સરકારી વકીલે જામીનની અરજીનો વિરોધ કરતાં કહ્યું હતું કે આરોપીઓ સામે પ્રાથમિક પુરાવા હોવાથી તેમને જામીન ન મળવા જોઈએ.
ડૉ. પાયલ તડવી પરિવારના વકીલે ડૉ. તડવીની માતાએ પોલીસ કમિશનરને લખેલો પત્ર કોર્ટમાં રજૂ કર્યો હતો. આ પત્રમાં તડવીની માતાએ કહ્યું છે કે ત્રણેય આરોપીએ મને અને પાયલ તડવીના પતિને કોર્ટની ઈમારતમાં ધમકી આપી હતી.
Published on: Tue, 25 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer