અમદાવાદની એ રથયાત્રા જે સરકારની પાબંદી છતાં ગજરાજને કારણે નીકળી હતી !

અમદાવાદની એ રથયાત્રા જે સરકારની પાબંદી છતાં ગજરાજને કારણે નીકળી હતી !
ભાર્ગવ પરીખ તરફથી 
અમદાવાદ, તા. 24:  મને યાદ છે, હું નાનો હતો અને સમગ્ર અમદાવાદમાં ચોતરફ હિંસા હતી અને સરકારે રથયાત્રા કાઢવા પર પાબંદી લગાવી હતી અને મારા પિતાજીએ એલાન કર્યું કે ગુજરાતની રથયાત્રા નીકળશે અને ગજરાજ પર બેસીને એ નીકળ્યા અને હાથીએ પોલીસની જીપ ઊથલાવી અને રથયાત્રા નીકળી અને એના રુટ પર પાછી આવી પણ રથયાત્રા મોકૂફ ના રાખવા દીધી ...આ શબ્દો છે સ્વર્ગીય શંભુ મહારાજ ના દીકરા ચૈતન્ય શંભુ મહારાજ ના ... 
જગન્નાથપુરી પછી અમદાવાદ માં છેલ્લાં 142 વર્ષ થી નીકળતી રથયાત્રા ને 1985 માં સરકારે કરફ્યુ હોવાને કારણે કાઢવાની ના પાડી હતી અને એ સમયે શંભુ મહારાજે એલાન કર્યું હતું કે દુનિયાની કોઈ તાકાત જગન્નાથ ભગવાનની રથયાત્રા રોકી નહિ શકે. ચૈતન્ય શંભુ મહારાજે `જન્મભૂમિ' સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે હું એ સમયે નાનો હતો મારા ઘરની આસપાસ એ સમયે પોલીસ ગોઠવાયેલી હતી મારા પિતા ને સમજાવવા માટે મથી રહ્યા હતા, પણ વાત આસ્થાની હતી મારા પિતા શંભુ મહારાજે રથયાત્રા કાઢવા સિવાય સરકારની તમામ વાતો માની લીધી હતી. પોલીસનો અમારા ઘર પર પૂરો બંદોબસ્ત હતો, પરંતુ રાત્રે મારા પિતા પોલીસને ચકમો આપી ને જગન્નાથ મંદિર પહોંચી ગયા. રાત્રે મંદિરમાં રહ્યા અને સવારે ભગવાનના રથ સાથે નીકળ્યા. મંદિરના દ્વાર ખોલતાની સાથે જ મારા પિતા ગજરાજ પર બેઠા હતા બહાર પોલીસની જીપો અને મોટો કાફલો હતો. મારા પિતા એ જય જગન્નાથના નારા સાથે ગજરાજ ને આગળ વધાર્યા. પોલીસ રસ્તામાં જીપ લઇ ને આવી અને ગજરાજે જીપો ઊલટાવી નાખી અને રથયાત્રા નીકળી. ક્યારેય પણ રથયાત્રા બંધ રહી નથી આ વર્ષે ગજરાજ ને રોકવાના પ્રાણી પ્રેમીઓ દ્વારા પ્રયાસ થઇ રહ્યા છે એ દુ:ખદ છે. હાથી ગણેશનું પ્રતીક છે એટલે ભગવાનના રથ પહેલા ગજરાજ નીકળે છે અને લોકોની આસ્થા સાથે જોડાયેલી વાત છે ત્યારે હાથી ને આસામથી અહીં લાવતા રોકવા ના જોઈએ. 
બીજી તરફ અખિલ ગુજરાત બ્રહ્મ સમાજના સચિવ ડૉ. યજ્ઞેશ દવે એ `જન્મભૂમિ' સાથેની વાતચીતમાં કહ્યું કે રથયાત્રા આસ્થાનો વિષય છે એમાં ગજરાજ હોવા જ જોઈએ. 
આવું જ હિન્દી સમાજના અગ્રણી રાજા શર્મા એ પણ `જન્મભૂમિ' સાથેની વાતચીતમાં કહ્યું કે જગન્નાથની રથયાત્રામાં હાથી હોવા જ જોઈએ. જો કોર્ટ આસામથી હાથી લાવવાની ના પાડશે તો અમે રાજસ્થાનથી હાથી લાવીશું પણ અમદાવાદની જગન્નાથની રથયાત્રા દરમિયાન પૂરતી સંખ્યામાં હાથી રાખીશું. 
Published on: Tue, 25 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer