જગન્નાથ રથયાત્રા માટે હાથીને ટ્રેનમાં લાવવાનો વિકલ્પ અતિસુરક્ષિત

જગન્નાથ રથયાત્રા માટે હાથીને ટ્રેનમાં લાવવાનો વિકલ્પ અતિસુરક્ષિત
ભાર્ગવ પરીખ તરફથી 
અમદાવાદ, તા. 24 :  જગન્નાથ રથયાત્રા માટે આસામથી ચાર હાથી લાવવા સામે કોર્ટમાં ધા નખાઈ છે, પણ એનિમલ એક્સપર્ટના મતે હાથીને ટ્રેનમાં ગુજરાત લાવવા સૌથી સલામત છે અને જો બે બોગીમાં ટ્રેનમાં ડૉક્ટરની દેખરેખ નીચે સ્થાનિક મહાવત સાથે આવતા હોય તો એનાથી વધુ સલામત કઈ ના હોઈ શકે.  
ગુજરાતના જાણીતા વેટરનરી ડૉક્ટર ચિતરંજન શાહે `જન્મભૂમિ' સાથેની ખાસ વાતચીતમાં કહ્યું હતું કે હાથીને એક સ્થળેથી બીજા સ્થળે લઇ જવા માટે  ટ્રેન જેવું સલામત કોઈ સાધન નથી, કારણ કે ચાર હાથી માટે ટ્રેનની બે બોગી હોય તો એમને અનુકૂળ પડે. અલબત્ત, એનિમલ એક્સપર્ટનો એક દાવો સાચો છે કે આસામથી ગુજરાત લાવતા  હાથીને ગરમી લાગી શકે, પરંતુ એ વાત એટલી અસરકર્તા નથી, કારણ કે એમનો દાવો છે કે આસામ ઠંડો પ્રદેશ છે અને ત્યાંના હાથી લીલો ચારો કેળ વગેરે ખાવાના આદિ હોય અને એમને કમાન્ડ આપનાર મહાવત લોકલ લેન્ગવેજ જાણતા હોય એટલે ટ્રાવાલિંગમાં થોડી તકલીફ પડી શકે, પરંતુ ટ્રેનમાં હાથી હરી ફરી શકે છે અને તાપમાન વધે નહિ અને તાપમાન વધે તો એમની સાથે ડૉક્ટર રાખવામાં આવ્યા છે અને મહાવત છે એટલે કોઈ સમસ્યા ઉપસ્થિત નહીં થાય.  
ડૉક્ટર શાહ આગળ કહે છે કે હાથીને બાય રોડ લાવવા સૌથી ખતરનાક છે, કારણ કે એમાં અકસ્માતની સંભાવના કરતા વધુ એક સંભાવના એવી છે કે જો રસ્તેથી પસાર થતા બીજા હાથી જોઈ જાય તો હાથીઓનું ટોળું એમની પાછળ પડી જાય અને અરાજકતા સર્જાય. એ જોતાં હાથીને ટ્રેનમાં લાવવા જોઈએ. હાથી માટેની મોટી સમસ્યા એ છે કે ડિહાઇડ્રેશન થવું અને કબજિયાત થવી. જોકે, ટ્રાવાલિંગમાં આ સમસ્યાને પણ પહોંચી વળી શકાય. એમના માટે પૂરતું પાણી અને શેરડી સમેતનો લીલો ખોરાક હોય તો કોઈ સમસ્યા ઊભી થતી નથી. એટલું જ નહિ અત્યારે જગન્નાથ મંદિરમાં જેટલા હાથી છે એ આસામના છે. એટલે આસામથી ગુજરાત લાવવા કોઈ અસંમતિ ભર્યું નથી અને ગુજરાતના પ્રાણી સંગ્રહાલમાં પણ હાથી બીજાં રાજ્યોમાંથી જ આવે છે એટલે જગન્નાથ મંદિર માટે હાથી લાવવા કોઈ અસલામતીની વાત નથી.  
અમદાવાદ પ્રાણી સંગ્રહાલયના વડા ડૉક્ટર આર.કે. શાહુએ `જન્મભૂમિ' સાથેની વાતચીતમાં કહ્યું કે આસામથી જગન્નાથ મંદિર હાથી લાવવાનો મામલો સબ-જ્યુડિસ હોવાથી એ વિશે કોઈ ટિપ્પણી નહિ કરે, પરંતુ ગુજરાતના જેટલા પ્રાણી સંગ્રહાલયમાં હાથી છે એ દક્ષિણ ભારત અને આસામથી આવ્યા છે અને ટ્રેનમાં ડૉક્ટરની દેખરેખ નીચે આવ્યા છે. અમે 2100 કિલોમીટર દૂરથી હાથી લાવીએ છીએ એટલે ટ્રેનમાં હાથી લાવવા સલામત છે.
Published on: Tue, 25 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer