કૉંગ્રેસના નેતા અધીર રંજને વડા પ્રધાનની સરખામણી

કૉંગ્રેસના નેતા અધીર રંજને વડા પ્રધાનની સરખામણી
`નાલી' સાથે કરતાં લોકસભામાં હોબાળો                    

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 24 : લોકસભામાં રાષ્ટ્રપતિના સંભાષણ પર આભાર વ્યક્ત કરતી દરખાસ્તની ચર્ચા દરમિયાન કૉંગ્રેસ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ સામસામા આવી ગયા હતા. બંને પક્ષોએ એકબીજાના વહીવટના રેકર્ડના મુદ્દે સામસામા શાબ્દિક પ્રહારો કર્યા હતા.
લોકસભામાં કૉંગ્રેસના નેતા અધીર રંજને આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી સાથે એક નેતા દ્વારા કરાયેલી સરખામણીના પ્રતિસાદમાં એમ કહીને હોબાળો મચાવી દીધો હતો કે તમે ગંગા નદીની સરખામણી કોઈ ગટરના નાળા સાથે કરી શકો નહીં.
રાષ્ટ્રપતિના પ્રવચનનો આભાર માનતી દરખાસ્ત પરની ચર્ચા દરમિયાન કેન્દ્રીય પ્રધાન પ્રતાપ સારંગીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી આધ્યાત્મિક નેતા સ્વામી વિવેકાનંદ સાથે કરી ત્યારે તેના પ્રતિસાદમાં કૉંગ્રેસના નેતા અધીર રંજને ઉપર મુજબની પ્રતિક્રિયા વ્યક્ત કરીને હોબાળો મચાવી દીધો હતો. અધીર રંજને જણાવ્યું હતું કે, ``તમને તમારા નેતાની પ્રશંસા કરવાનો અધિકાર છે, પરંતુ તમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી સ્વામી વિવેકાનંદ સાથે કરો એ સારું નથી.''
પરંતુ વાંધાજનક ``નાલી'' ટિપ્પણી કર્યાના કલાકો બાદ કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે તેનો ઇરાદો વડા પ્રધાનનું અપમાન કરવાનો ન હતો અને તેઓ અંગત રીતે વડા પ્રધાનની માફી માગે છે.
પોતાની ટિપ્પણીના ખોટા અર્થઘટન પર ખેદ વ્યક્ત કરતાં ચૌધરીએ જણાવ્યું હતું, `મારો ઇરાદો વડા પ્રધાનનું અપમાન કરવાનો ન હતો. આ એક ગેરસમજ છે. મેં ``નાલી'' શબ્દનો પ્રયોગ કર્યો જ નથી. જો વડા પ્રધાન મારાથી નારાજ હશે તો હું દિલગીર છું. મારો ઇરાદો તેમની લાગણી દુભાવવાનો નહોતો. હું અંગત રીતે તેમની માફી માગી લઇશ. હું હિન્દી ભાષી નથી એટલે અર્થનો અનર્થ થઈ ગયો છે. હું માત્ર ગંગા નદી અને જ્યાંથી તેનું પાણી પસાર થાય છે તે સ્થાનિક નાળાઓની સરખામણી કરતો હતો.' એમ ચૌધરીએ વધુ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું. ભાજપના સાંસદ પ્રતાપ સારંગીએ વડા પ્રધાનની સરખામણી વિવેકાનંદ સાથે નામમાં સમાનતા હોવાના કારણે કરી હતી અને તેમને સમાન સ્તરના ગણાવ્યા હતા. આનાથી બંગાળની લાગણી દુભાઈ છે એટલે મેં કહ્યું હતું કે, તમે મને ઉશ્કેરી રહ્યા છો. જો તમે આમ કહેવાનું ચાલુ રાખશો તો હું એમ કહીશ કે તમે ગંગાની સરખામણી નાલી સાથે કરી રહ્યા છો એમ ચૌધરીને કહેતા ટાંકવામાં આવ્યા હતા.
ચૌધરીએ વડા પ્રધાનની સરખામણી ``નાલી'' સાથે કર્યા બાદ ગૃહમાં ભારે હોબાળો મચી ગયો હતો. ઇન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદી વચ્ચે કોઈ સરખામણી થઈ શકે નહીં એમ જણાવતાં ચૌધરીએ કહ્યું હતું કે, ``કહાં મા ગંગા ઔર કહાં ગંદી નાલી'' તેમની આ ટિપ્પણીની ભાજપના સાંસદોએ ઉગ્ર ટીકા  કરી હતી.
Published on: Tue, 25 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer