રૂા. 34 લાખ કરોડનું કાળુંધન વિદેશમાં પગ કરી ગયું !

રૂા. 34 લાખ કરોડનું કાળુંધન વિદેશમાં પગ કરી ગયું !
લોકસભામાં રિપોર્ટ રજૂ : ત્રણ વિખ્યાત સંસ્થાઓનું અનુમાન

નવીદિલ્હી, તા.24: ભારતીયોએ વર્ષ 1980થી 2010 વચ્ચે, 30 વર્ષનાં ગાળામાં આશરે 246.48 અબજ ડોલર (આશરે 17,25,300 કરોડ રૂપિયા)થી 490 અબજ ડોલર (આશરે 34,30,000 કરોડ રૂપિયા) જેટલી રાશિનું કાળુનાણું વિદેશમાં મોકલ્યું હતું.
ત્રણ તજજ્ઞ સંસ્થા- એનઆઈપીએફપી, એનસીએઈઆર અને એનઆઈએફએમ દ્વારા પોતાનાં અધ્યયનમાં આ તારણો આપવામાં આવ્યાં છે. આજે સોમવારે લોકસભાના તખ્તા ઉપર પેશ કરવામાં આવેલા નાણાકીય બાબતોની સ્થાયી સમિતિના એક અહેવાલ અનુસાર આ ત્રણેય સંસ્થાઓના અભ્યાસમાં જોવા મળ્યું છે કે, જે ક્ષેત્રોમાંથી સૌથી વધુ કાળુનાણું ઉદ્ભવે છે તેમાં રીયલ એસ્ટેટ, ફાર્માસ્યુટિકલ, પાન મસાલા, બુલિયન, કોમોડિટી, ફિલ્મ અને શિક્ષણનાં ક્ષેત્રો અગ્રિમ છે. 
સમિતિ દ્વારા આવક અને સંપતિનાં ચાવીરૂપ પૃથક્કરણ નામક રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કાળાનાણાંનું સર્જન કે સંચય વિશે કોઈ અધિકૃત કે વિશ્વસનીય અનુમાન તો મળતું નથી કે નથી તેના માટે કોઈ સર્વમાન્ય પદ્ધતિ. એનસીએઈઆર પોતાનાં અધ્યયનમાં 30 વર્ષના ગાળામાં 26.88 લાખ કરોડથી 34.30 લાખ કરોડ રૂપિયા જેટલું કાળુનાણું વિદેશમાં પગ કરી ગયું હોવાની ધારણાં બાંધે છે. તો એનઆઈએફએમનાં કહેવા અનુસાર 1990થી 2008 વચ્ચે 15,15,300 કરોડ રૂપિયાનું કાળુધન ભારતમાંથી વિદેશમાં મોકલાયું હતું. એનઆઈપીએફપીનાં કહેવા અનુસાર 1997થી 2009 દરમિયાન જીડીપીનાં 0.2 ટકાથી 7.4 ટકા જેટલું કાળુનાણું વિદેશમાં મોકલવામાં આવ્યું હોઈ શકે છે.
Published on: Tue, 25 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer